ચૂંટણી પહેલા જ ભાજપ ગેલમાં; નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 215 બેઠકો પર બિનહરીફ વિજય
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં ઉજવણી શરુ થઇ ગઈ છે. મહાનગરપાલિકા, નગરપ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ ભાજપમાં ઉજવણી શરુ થઇ ગઈ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક મહાનગરપાલિકા, પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો છે.
68 નગરપાલિકામાં 196 બેઠકો તેમજ જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો, તાલુકા પંચાયત અને પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો બિનહરીફ વિજય થયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 68 નગરપાલિકામાં કુલ 196 નગરપાલિકાની બેઠકો ચૂંટણી પહેલા વિજય મેળવ્યો છે, જેમાં ભચાઉ નગરપાલિકામાં બહુમતી કરતાં વધારે બેઠકો પર બિનહરીફ થતાં ભચાઉ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ વિજય પ્રાપ્ત કર્યો છે.
જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો અને તાલુકા પંચાયત તેમજ પેટા ચૂંટણીની 10 બેઠકો એમ કુલ મળીને 215 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ વિજય મેળવ્યો છે.
હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપ 20 બેઠકો પર બિનહરીફ
પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે.
જૂનાગઢ કોંગ્રેસમાં ભૂકંપ: 9 ઉમેદવાર ખસી ગયા, ભાજપને 8 સીટ બિનહરીફ
જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા છે. મતદાન પહેલા જ બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નહી.
ભચાઉમાં મતદાન પહેલાં જ ભગવો લહેરાય તે માટેના કાવાદાવા
ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 11 બેઠકો ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ ભાજપના ફાળે આવી ગઈ છે. તંત્રની બલિહારી કહો કે કોંગ્રેસની ભૂલ, હવે કોંગ્રેસના 17 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, કચ્છ ભાજપના આગેવાનો અંદરખાને દાવો કરે છે તે સાચો ઠરે તો કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપના સંપર્કમાં છે.
જુનાગઢ : બાંટવા નગરપાલિકામાં ભાજપની બહુમતી
જુનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકામાં ભાજપની બહુમતી થઇ છે.બાંટવા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માંથી 15 બેઠક પર ભાજપનો ચૂંટણી પહેલા જ વિજય થયો છે. ગઈકાલે કોંગ્રેસના નવ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા હતા, આજે કોંગ્રેસના વધુ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા હવે 9 બેઠકો પર ચૂંટણી યોજાશે.
પંચમહાલ : શહેરા તાલુકા પંચાયતની મંગલીયાણા બેઠક પર ભાજપની બિનહરીફ જીત
પંચમહાલ જિલ્લાની શહેરા તાલુકા પંચાયતની મંગલીયાણા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. કોંગ્રેસ અને આપના ઉમેદવારના ટેકેદારોએ દરખાસ્ત પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. ભાજપના ઉમેદવાર દેવેન્દ્ર વિજયસિંહ પગી બિનહરીફ થતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
વડોદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાં ભડાકો
વડોદરા તાલુકા પંચાયતની પેટાચૂંટણી મામલે કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ છે. દશરથ બેઠકના કોંગ્રેસના ઉમેદવારે વશરામ રબારીએ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. દશરથ બેઠકના સુનિલ પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી થતા પહેલા જ વડોદરા તાલુકા પંચાયતની 1 બેઠક ભાજપ ને ફાળે ગઈ.
ધોરાજીમાં ભાજપમાં ભડકો
રાજકોટ જિલ્લામાં ભાયાવદર બાદ હવે ધોરાજી ભાજપમાં પણ અસંતોષની આગ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે સ્થાનિક કાર્યકરો અને હોદ્દેદારોમાં રોષ ભભૂક્યો છે. ગત ટર્મમાં ભાજપમાંથી પાલિકાના સભ્ય રહી ચુકેલા સોનલ બાલાધાએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.
સોનલ બાલધાએ આક્ષેપ કર્યો કે ભાજપના ધારાસભ્ય ખુદ પાર્ટીના કાર્યકરોનું સાંભળતા નથી... ચૂંટણી જીત્યા બાદથી લોકોના કામ થતા નથી. તેમનું કહેવું છે કે મહેન્દ્ર પાડલિયા ભાજપના કાર્યકરોનો ફોન પણ ઉપાડતા નથી તેમજ હોદ્દારોને ગાંઠતા નથી. સોનલ બાલધાએ દાવો કર્યો કે લોકોના કામ કરવા માટે તેમણે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.
ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ચાર ફોર્મ પરત ખેંચાયા હતા. વોર્ડ નંબર-2માં ભાજપ અને સપાના એક-એક ઉમેદવારે મેદાન છોડ્યું..તો વોર્ડ નંબર-4 અને 9માંથી આમ આદમી પાર્ટીના એક-એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું.
અમરેલી : લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં AAPના 2 ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચ્યું
કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ કોંગ્રેસના રસ્તે જઈ રહી છે. અમરેલીની લાઠી નગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીની બે મહિલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં છે. વોર્ડ નંબર-1 અને વોર્ડ નંબર-3ના આપના બે મહિલા ઉમદવારોએ ફોર્મ પરત ખેંચ્યું. આ સાથે જ ચૂંટણીમાં મતદાન પહેલા જ AAPમાં ભંગાણ થયું છે.
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં 99 ઉમેદવારો મેદાનમાં
છોટાઉદેપુર નગર પાલિકા ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતે 104 ઉમેદવારો માન્ય રહ્યા હતા. આજે પાંચ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 99 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. 16 ફેબ્રુઆરીએ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ વખતની ચૂંટણીમાં સાત રાજકીયપક્ષો ચૂંટણી લડશે જેમાં કોંગ્રેસ, ભાજપ, આપ, બ.સ.પા, સપા સહિત પક્ષોએ પોતાના ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે.
બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ
બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આજે વોર્ડ નંબર-1 ના બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ચાર ઉમેદવારો બિનહરિફ જાહેર થયાં થયા છે. બોટાદ નગરપાલિકા વોર્ડ-8 અને વોર્ડ-9ના ભાજપના મહિલા ઉમેદવારો સામે અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા બિનહરીફ જાહેર થયા છે. બોટાદ નગરપાલિકા પર જીત મેળવવા માટે જાદુઈ આંક 23નો છે, ભાજપે ચટણી પહેલા અત્યારે 60% જીત મેળવી.
ઉપલેટા નગરપાલિકામાં ભાજપના 5 ઉમેદવારોની બિનહરીફ જીત
રાજકોટની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 111 ઉમેદવારોના 112 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ થયેલ ચકાસણી બાદ કુલ 105 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે બાકીના સાત ફોર્મ રદ કરવામાં આવ્યા હતા.
ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારોની બિનહરીફ જીત થઇ છે. વોર્ડ-3માં પછાત વર્ગની સ્ત્રી બેઠક બિનહરીફ તેમજ વોર્ડ-6ની તમામ ચારે બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયેલ છે.
ઉપલેટામાં ભાજપ, કોંગ્રેસ, સી.પી.આઈ.એમ. આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી અને AIMIM તેમજ અપક્ષ મળીને કુલ 87 ઉમેદવારો માટે મતદાન થશે. ઉપલેટામાં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસમાં કુલ 13 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી
ધરમપુરમાં પાલિકાના કોંગ્રેસના પાંચ ઉમેદવાર ગુમ
વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં ત્રણ દાયકાથી શાસન હોવાં છતાં વિકાસનાં કામો નહીં થતાં લોક આક્રોશને પગલે ભાજપ વિકાસનાં નામે મતો માંગી જીતવાને બદલે શામ, દામ અને દંડની નીતિ અપનાવી કોંગ્રેસ અને વિરોધીઓના ઉમેદવારોને બેસાડી દેવાનાં પ્રયાસો આદર્યા છે, ત્યારે વોર્ડ નં.1નાં 4 અને વોર્ડ નં.3નો 1 સહિત કુલ 5 કોંગ્રેસી ઉમેદવારોને સંપર્ક વિહોણા કરી દેતાં કોંગ્રેસી નેતાઓ પ્રચાર કરવાનાં બદલે પાંચેય ઉમેદવારોને શોધવાં રાત દિવસ એક કરી રહ્યા છે અને સાથે ભાજપ પર ગંદી રાજનીતિ રમી રહ્યા હોવાનાં આક્ષેપો કરતા ધરમપુરનું રાજકારણ ગરમાયું છે.
હળવદમાં કોંગ્રેસી ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું
હળવદ નગરપાલિકામાં તો રવિવારની રાત્રિથી કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકી આપવામાં આવી રહી છે. આ કારણોસર નાછૂટકે ઉમેદવારોને પોલીસ રક્ષણ માગવું પડ્યું હતું. પોલીસે પણ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
બિલીમોરા નગરપાલિકામાં ખુદ ચૂંટણી અધિકારીએ ભાજપને મદદરુપ થવા ગેરબંધારણીય વર્ણતૂક કરી છે. મહિસાગર જિલ્લાના જોધપુર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસે વિસ્તૃત રજૂઆત કરી છતાંય ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરી ફોર્મ મજૂર કર્યું હતું જેથી રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવશે.
પોરબંદર : રાણાવાવ નાગરપાલિકામાં કોંગ્રેસના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
પોરબંદરની રાણાવાવ નાગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હવે રાણાવાવ નાગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી વચ્ચે સીધો જંગ થશે. ભાજપને પરાસ્ત કરવાની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બોટાદ : ગઢડા નગરપાલીકામાં 56 ઉમેદવારો લડશે ચૂટણી
બોટાદની ગઢડા નગરપાલીકાની ચૂંટણીનું ચિત્રસ્પષ્ટ થઈ ગયું છે. 28 બેઠકો માટે 56 ઉમેદવારો લડશે ચૂટણી. 28 બેઠકો પર 73 ફોર્મ ભરાયા હતા. ચકાસણી દરમિયાન 9 ફોર્મ ડમી હોવાથી અમાન્ય થયા. વોર્ડ-1માંથી કોંગ્રેસના બે, વોર્ડ-3માં AAPના એક અને વોર્ડ-5માં અપક્ષ એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ ચાર ફોર્મ પરત ખેંચાતા ચિત્ર સ્પષ્ટ થયું. હવે 56 ઉમેદવારો ચૂંટણી લડશે.
જુનાગઢમાં કોંગ્રેસના ધરણા
જુનાગઢમાં એક તરફ કોંગ્રેસના નવ ઉમેદવારો પાણીમાં બેસી ગયા અને અલગ અલગ કારણો આપી ઉમેદવારી પરત ખેંચી લીધી. હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઉમેદવારોએ રસ્તા પર ઉતરી ધરણાં શરૂ કર્યા. કોંગ્રેસે ધાક ધમકીથી ફોર્મ પરત ખેંચાવાની નીતિ સામે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ આગેવાનોએ ધારાસભ્ય, ભાજપ પ્રમુખે ફોન કર્યા હોવાના પુરાવાઓ પણ રજૂ કર્યાં. કોંગ્રેસના ઉમેદવારોએ ધારાસભ્ય સંજય કોરડિયા અને ભાજપ પ્રમમુખ પુનિત શર્મા પર આક્ષેપ કર્યો કે 30-30 લાખની ઓફર કરી લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે ઉમેદવારો પૈસાની લાલચમાં ન આવ્યાં તેને લુખ્ખા તત્વો મોકલી ધાક ધમકી આપવામાં આવી. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપે પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરી નાણાની રેલમછેલ કરી અને ઉમેદવારોને ખરીદ્યા છે.








