લિવ-ઈન કરારથી સાથે રહ્યા, પછી દુષ્કર્મની ફરિયાદ! ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?

Live-In Relationship Case: ગુજરાત હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપ (Live-in Relationship) સાથે જોડાયેલા કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે બે પુખ્ત વયના લોકો પોતાની મરજીથી લેખિત કરાર કરીને સાથે રહે અને ત્યારબાદ પરસ્પર સંમતિથી લેખિત કરાર દ્વારા અલગ થાય, તો માત્ર લગ્ન ન થયાં હોવાના આધારે દુષ્કર્મનો આરોપ સાબિત થઈ શકતો નથી. આ અવલોકન સાથે જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ આર. ટી. વાચ્છાણીની ખંડપીઠે એક મહિલાની અપીલ ફગાવી દીધી હતી અને આરોપી પુરુષને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો.
લગ્નનું ખોટું વચન આપ્યું હોવું સાબિત કરવું જરૂરી
હાઈકોર્ટે જણાવ્યું કે લાંબા સમય સુધી ચાલેલા લિવ-ઈન સંબંધમાં બંને પક્ષોના વર્તન, સંમતિ અને સંબંધના સંજોગોને ધ્યાનમાં લેવા જરૂરી છે. માત્ર સંબંધ તૂટી જવો અથવા પુરુષે પાછળથી લગ્ન કરવાનો ઇનકાર કરવો એ પોતાનામાં દુષ્કર્મનો ગુનો સાબિત કરવા પૂરતું નથી.
જોકે, અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે જો લગ્નનું વચન શરૂઆતથી જ ખોટા ઇરાદાથી આપવામાં આવ્યું હોય અને તેનો ઉપયોગ મહિલાની સંમતિ મેળવવા માટે કરવામાં આવ્યો હોય, તો તે અલગ કાનૂની પરિસ્થિતિ બની શકે છે. આવા કિસ્સામાં વચન આપતી વખતે આરોપીનો ઇરાદો શું હતો અને મહિલાની સંમતિ કયા સંજોગોમાં મેળવવામાં આવી હતી, તે બાબતો મહત્ત્વની બને છે.
ખંડપીઠે નોંધ્યું કે આજના સમયમાં પુખ્ત વયની મહિલાઓ આર્થિક રીતે સ્વતંત્ર છે અને પોતાના જીવન અંગે નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે. તેથી, બે વ્યક્તિઓ વચ્ચે લાંબા સમય સુધી સંમતિથી ચાલેલા સંબંધમાં મતભેદ ઊભા થાય ત્યારે દરેક વિવાદને આપમેળે ફોજદારી ગુનાનું સ્વરૂપ આપી શકાય નહીં.
લેખિત કરારમાં શું નોંધવામાં આવ્યું હતું?
આ કેસમાં બંને પક્ષો વચ્ચે લેખિત સમજૂતી કરવામાં આવી હતી. તેમાં બંનેએ પોતાની મરજીથી સાથે રહેવાનું નક્કી કર્યું હોવાનું અને કોઈ દબાણ કે લાલચ ન હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 29 જાન્યુઆરી, 2020ના રોજ કરવામાં આવેલા બીજા કરાર દ્વારા બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો.
હાઈકોર્ટના અવલોકન મુજબ, આ દસ્તાવેજોમાં મારપીટ, ધમકી અથવા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાના આક્ષેપોનો ઉલ્લેખ નહોતો. અદાલતે બંને વચ્ચેના સંબંધની અવધિ, સાથે રહેવાના સંજોગો અને લેખિત કરારોને ધ્યાનમાં લીધા હતા.
ખંડપીઠે કહ્યું કે જ્યારે બે પુખ્ત વ્યક્તિઓ ઘણા મહિનાઓ સુધી પોતાની સંમતિથી સાથે રહે અને પછી લેખિત દસ્તાવેજ દ્વારા સંબંધનો અંત લાવે, ત્યારે સંબંધમાં બળજબરી થઈ હોવાનો આરોપ સાબિત કરવા માટે અન્ય પુરાવા અને સંજોગોનું મૂલ્યાંકન જરૂરી બને છે.
શું હતો સમગ્ર લિવ-ઈન રિલેશનશિપ કેસ?
ફરિયાદી યુવતી અમદાવાદની એક કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને આરોપી યુવક સાથે લગભગ એક વર્ષથી પ્રેમસંબંધમાં હતી. ફરિયાદ મુજબ, 14 ઓગસ્ટ, 2019ના રોજ બંને વચ્ચે સાથે રહેવા અને ભવિષ્યમાં લગ્ન કરવા અંગે લેખિત સમજૂતી થઈ હતી.
યુવતી પોતાના માતા-પિતા અને કાકાની જાણકારીમાં યુવક સાથે અલગ રહેવા ગઈ હતી. બંને ભાડાના મકાનમાં સાથે રહેતાં હતાં. ત્યારબાદ 29 જાન્યુઆરી, 2020ના રોજ અગાઉની સમજૂતી રદ કરવા અંગે બીજો કરાર કરવામાં આવ્યો હતો.
આ કરાર થયા બાદ બીજા જ દિવસે યુવતીએ પોલીસમાં યુવક વિરુદ્ધ દુષ્કર્મ સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચેના લેખિત કરારો અને સંબંધના સંજોગો મહત્ત્વના મુદ્દા બન્યા હતા.
ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટની મહોર
31 જાન્યુઆરી, 2026ના રોજ ટ્રાયલ કોર્ટે આરોપી યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. આ ચુકાદાથી અસંતોષ વ્યક્ત કરીને યુવતીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જોકે, હાઈકોર્ટે પણ અપીલ ફગાવી દીધી હતી અને ટ્રાયલ કોર્ટના નિર્ણયને બહાલ રાખ્યો હતો.
અદાલતે નોંધ્યું કે સમજૂતી સમયે યુવકની ઉંમર 20 વર્ષ હતી અને 21 વર્ષનો થયા પછી યુવતી સાથે લગ્ન કરવાની વાત કરાઈ હતી. જોકે, આવી સમજૂતીને કાયદેસર લગ્નના વચનના પુરાવા તરીકે કેવી રીતે જોવી તે મુદ્દે અદાલતે કાયદાકીય મર્યાદાઓ પણ ધ્યાનમાં લીધી હતી.
હાઈકોર્ટના ચુકાદાનો મુખ્ય સંદેશ શું છે?
આ ચુકાદામાં અદાલતે સંબંધની શરૂઆતથી જ લગ્નના ખોટા વચનનો ઇરાદો હતો કે નહીં, બંને વચ્ચે સંમતિ હતી કે નહીં અને સંબંધ કયા સંજોગોમાં આગળ વધ્યો હતો તે બાબતોને મહત્ત્વપૂર્ણ ગણાવી છે.
લિવ-ઈન કરાર હોવો એ દરેક પરિસ્થિતિમાં દુષ્કર્મના આરોપ સામે આપમેળે રક્ષણ આપતો નિયમ નથી. જોકે, આ કેસમાં ઉપલબ્ધ દસ્તાવેજો અને સંજોગોના આધારે હાઈકોર્ટે માન્યું કે લગ્નના ખોટા વચનના આધારે દુષ્કર્મનો આરોપ ટકાવી રાખવા માટે પૂરતો આધાર નહોતો. આ રીતે અદાલતે આરોપીને નિર્દોષ છોડવાના અગાઉના ચુકાદાને યથાવત્ રાખ્યો.










