આંકલાવના PI 40,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, ACB એ ઓપરેશન પાર પાડ્યું

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ સામે લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB)ની કાર્યવાહી વચ્ચે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) રાજદીપસિંહ ભગવતસિંહ વનાર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા છે. ફરિયાદીની ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનો દાવો કરીને તેને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. શરૂઆતમાં દોઢ ટનનું એસી માગ્યા બાદ ફરિયાદીએ અસમર્થતા દર્શાવતાં PIએ રૂ. 40 હજારની લાંચ માગી હતી. આ રકમ સ્વીકારતાં જ ACBની ટીમે તેમને તેમની જ ચેમ્બરમાં ઝડપી પાડ્યા હતા.
ફેક્ટરી બંધ કરાવવાની ધમકી આપી એસીની માગણી કરી
મળતી વિગતો મુજબ, આંકલાવ પોલીસ સ્ટેશનના PI રાજદીપસિંહ વનારે ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. અહીં તેમણે ફરિયાદીને ફેક્ટરી પ્રદૂષણ ફેલાવતી હોવાનું જણાવી તેને બંધ કરાવી દેવાની ધમકી આપી હતી. આ રીતે દબાણ ઊભું કરીને તેમણે ફરિયાદી પાસે દોઢ ટનનું એસી માગ્યું હતું. જોકે, ફરિયાદીએ એસી આપવાની અસમર્થતા દર્શાવી હતી. ત્યારબાદ PIએ મામલો થાળે પાડવા માટે રૂ. 40 હજાર રોકડા આપવાની માગણી કરી હતી. પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી આ માગણીથી ફરિયાદીએ લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો.
ફરિયાદ બાદ ACBએ ગોઠવ્યું છટકું
ફરિયાદીએ આણંદ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી કરેલી કાર્યવાહી મુજબ, ફરિયાદી રૂ. 40 હજાર લઈને આંકલાવ પોલીસ સ્ટેશનમાં PIની ચેમ્બરમાં પહોંચ્યા હતા. અહીં PI રાજદીપસિંહ વનારે લાંચ સંબંધિત વાતચીત કર્યા બાદ ફરિયાદી પાસેથી નાણાં સ્વીકાર્યાં હતાં.
લાંચની પૂરેપૂરી રકમ સ્થળ પરથી મળી
PIએ રૂ. 40 હજાર સ્વીકારતાં જ અગાઉથી ગોઠવાયેલી ACBની ટીમે કાર્યવાહી કરીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ટીમે લાંચની પૂરેપૂરી રકમ પણ સ્થળ પરથી કબજે કરી હતી. પોલીસ સ્ટેશનમાં જ પોલીસ અધિકારી લાંચ લેતાં ઝડપાતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે. ફેક્ટરી બંધ કરાવવાની ધમકી આપીને એસી અને ત્યારબાદ રોકડની માગણી કરવાના આક્ષેપોને પગલે ACBની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.











