જાફરાબાદના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણ 7 વર્ષની બાળકીને ખેંચી ગઈ, શોધખોળ બાદ બાળકીના માત્ર પગ મળ્યા
અમરેલી - જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે

અમરેલી - જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામ નજીક સિંહણે 7 વર્ષની બાળકીને પોતાનો શિકાર બનાવ્યો છે. સિંહણ બાળકીને લઈ દૂર ભાગી ગઈ હતી જે બાદ વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું.
ખાલસા કંથારીયા ગામમાં રહેતી મહિલા પોતાની બાળકી કીર્તિ ધાપા (ઉં.વ. 7)ને લઈને વાડીથી પરત ફરી રહી હતી. આ સમયે અચાનક સિંહણે બાળકી પર હુમલો કર્યો હતો. માતાની નજર સામે જ સિંહણ બાળકીને ઉપાડીને ખેતરમાં ખેંચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય હીરા સોલંકી, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અનિરુદ્ધ વાળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ વનવિભાગ, ધારાસભ્ય અને ગ્રામજનો દ્વારા બાળકીની શોધખોળમાં લાગી ગયા હતા. જો કે લાંબી શોધખોળ બાદ માત્ર બાળકીના પગ મળતા શોકમય માહોલ બની ગયો હતો.
ફોરેસ્ટ વિભાગે હાલ તો સિંહણનું લોકેશન ટ્રેક કરવા માટેની કવાયત હાથ ધરી છે. થોડા દિવસ પહેલા જીકાદ્રી ગામમા 1 વ્યક્તિ પર સિંહે હુમલો કર્યો હતો. આજે ખાલસા કંથારીયા ગામમાં ઘટના બનતા ભયનો માહોલ છવાઈ ગયો છે.






