ભરૂચ પંથકમાં દીપડાએ ઉભી કરી દહેશત, આલિયાબેટમાં બે ઊંટના બચ્ચાનો શિકાર કરતાં પાંજરા મૂકવા માગ
દક્ષિણ ગુજરાતમાં દીપડાઓએ ભારે દહેશત ઉભી કરી છે. ત્યારે ભરુચ જિલ્લામાં પણ દીપડાઓએ પગરવ કરીને પ્રાણીઓને શિકાર બનાવી રહ્યાં છે

દક્ષિણ ગુજરાતમાં દીપડાઓએ ભારે દહેશત ઉભી કરી છે. ત્યારે ભરુચ જિલ્લામાં પણ દીપડાઓએ પગરવ કરીને પ્રાણીઓને શિકાર બનાવી રહ્યાં છે. આલિયાબેટ વિસ્તારમાં બે ઊંટના બચ્ચાનો શિકાર દીપડાએ કરતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે દીપડાએ સર્જેલી હીંસાને પગલે સ્થાનિકોએ પાંજરા મૂકવાની માગ કરી છે.
હીંસક પ્રાણીથી બચાવવા માગ
નદી અને સમુદ્રના સંગમ સ્થળ એવા આલિયાબેટ પર 500 જેટલા મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે. તેઓ ઊંટ સહિતના પ્રાણીઓને પાળે છે. ત્યારે દીપડાએ નિલગાય બાદ ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે. જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે. દીપડા જેવા હીંસક પ્રાણીથી બચવા માટે સ્થાનિકોએ વનવિભાગ પાસે પાંજરાની માગ કરી છે.
પ્રાથમિક સુવિધાનો અભાવ
સ્થાનિકોએ કહ્યું કે, જંગલી જાનવરોના ભયથી સ્થાનિકોની સલામતી જોખમમાં મુકાઈ છે.પાંચ પેઢીથી અહીં રહેતા આ લોકોને હજુ સુધી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બેટ પર વીજળી કે પાણીની સુવિધા નથી. તાજેતરની ઘટનામાં, અંતરિયાળ વિસ્તારમાં ખોરાક લેતા ખારાઈ ઊંટના બે બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો. ઊંટ માલિક જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે મૃત બચ્ચાઓ નજીક દીપડો બેઠેલો જોવા મળ્યો હતો.








