પાટણમાં બિલ્ડર અને સરકારી કર્મચારીઓની મિલીભગતથી 450 વિઘાથી વધુ જમીન પચાવવાના કૌભાંડનો પર્દાફાશ
ગુજરાતમાંથી અનેક પ્રકારના કૌભાંડો પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્ય

ગુજરાતમાંથી અનેક પ્રકારના કૌભાંડો પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી રોજબરોજ કોઈકને કોઈક પ્રકારના કૌભાંડો સામે આવતા હોય છે. એવામાં પાટણમાંથી જમીન માફિયાઓ તેમજ સરકારી કર્મચારીઓની મિલીભગતથી જમીન પચાવી પાડવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
શું છે સમગ્ર કૌભાંડ?
પાટણ જિલ્લામાં બે ગામે તથા સમી તાલુકાના બે ગામના ખેડૂતો સાથે ઊંઝા તથા હારીજના એક બિલ્ડરે ભેગા થઈ હારીજ રજીસ્ટાર ઓફિસના કેટલાક કર્મચારીઓ સાથે મળીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. તેમજ ખોટા સાક્ષીઓ ઉભા કરીને ખુબ જ મોટું જમીન કૌભાંડ આચર્યું હોવાની એક ઘટના બહાર આવી છે. છેલ્લા બે વર્ષથી રવદ ગામના ખેડૂત પરિવારનો દીકરો આ કૌભાંડ સામે સતત લડત આપી રહ્યો છે, અને જમીન માફીયાઓ પાસેથી જમીન પરત મેળવવા કલેકટર કચેરી તથા કોર્ટની રાહ પકડી છે. ત્યારે કલેકટર કચેરી તરફથી સ્ટે આપવામાં આવતા ગરીબ પરિવારોની જમીન હાલ બચી છે તો કોર્ટમાં પણ જમીન પરત લેવા કેસ દાખલ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
જમીન મામલે થયેલા કૌંભાડમાં ભોગ બનનાર મીત ભગવાનભાઈ પટેલ નામના યુવકે આ સમગ્ર કૌભાંડ અંગે ઘટસ્ફોટ કર્યો હતો. આજથી લગભગ બાર કે ચૌદ વરસ પહેલા ઉંઝાના કેટલાક શખ્સો દ્વારા માત્ર 100 રુપિયાના સ્ટેમ્પ પેપર પર યુવકના પિતાનુું વારસદાર પેઢીનામું પાવર ઓફ એટર્ની બનાવવામાં આવ્યું હતું. આ મામલે સાક્ષી કાંતિલાલ મંશાલાલ પટેલ તેમજ મંગાજી વેરાજી ઠાકોરના નામે કોઈપણ પ્રકારના ફોટા કે આઈડી કાર્ડ વગર પાવર ઓફ એટર્ની બનાવીને બારોબાર જમીન વેચી મારી હતી. તેમજ યુવકના પિતાની સહી કે તેમની સહમતિ વિના આ જમીન વેચવામાં આવી હતી. તેમ છતાં હારીજની સબ રજીસ્ટાર કચેરીએ આ નકલી દસ્તાવેજને મંજુર કર્યો હતો.
યુવકના આક્ષેપ પ્રમાણે, ઉંઝાના લગભગ 6 લોકો છે જે આ પ્રકારનું કામ કરે છે. હાલના સમયમાં રવદ ગામમાં પાંચથી સાત ખોટા દસ્તાવેજો કરવામાં આવ્યા છે. જેમાં 50થી 80 વિઘા જમીન રવદ ગામની છે, તારોરા ગામની 30થી 40 વિઘા જમીન છે તેમજ સમી તાલુકામાં આશરે 350 વિઘા જમીનના ખોટા દસ્તાવેજો કરી આ તમામ જમીન પચાવી પાડવામાં આવી છે.
કેવી રીતે કૌભાંડ બહાર આવ્યું?
જમીન દલાલોએ ભૂલ એ કરી હતી કે સાત બારના ઉતારા તારોરા ગામના બતાવીને જમીન રવદના ખેડૂતો પાસેથી ખોટા દસ્તાવેજો બનાવીને પચાવી પાડી હતી. આ ઉપરાંત પાટણ નજીક બાદિપુર તેમજ ફુલપુરા ગામે પણ આવુજ કૌભાંડ કર્યું છે. સમી તાલુકાના રવદની વાત કરીએ તો 70ના દાયકામાં આ બાજુ કુખ્યાત એવા સ્વ ભાવસિંહ ભાઈ જેમણે પાછળથી ધારાસભ્યનું પદ મેળવ્યું હતું તેમણે રવદને બે વખત લૂંટ્યું હતું.








