પરિવારનો વિરોધ અને પોલીસનો હસ્તક્ષેપ છતાં... આંતરધર્મીય પ્રેમી પંખીડાંને હાઈકોર્ટે આપી મોટી રાહત!

ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ચુકાદો આપતાં આંતરધર્મીય લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા યુગલને ફરી એકસાથે રહેવાની મંજૂરી આપી છે. પરિવારના વિરોધ અને પોલીસ હસ્તક્ષેપ બાદ અલગ કરાયેલા આ કપલના કેસમાં કોર્ટે પુખ્ત વયની યુવતીની સ્વતંત્ર પસંદગી અને સંમતિને સર્વોપરી ગણાવી છે.
કચ્છમાં પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવતી અને 23 વર્ષીય યુવક વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને અલગ-અલગ ધર્મના હોવાથી તેમના પરિવારો આ સંબંધ સામે સખત વિરોધ દર્શાવી રહ્યા હતા. આથી બંનેએ સાથે જીવન વિતાવવાનો નિર્ણય કરી બનાસકાંઠામાં 'મૈત્રી કરાર' હેઠળ લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન, પરિવારજનોએ યુવતી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી બંનેને શોધી કાઢ્યા હતા અને યુવતીને તેના પાર્ટનરથી અલગ કરીને મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલી આપી હતી. આ કાર્યવાહી સામે યુવકે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી.
સુનાવણી દરમિયાન સામે આવ્યું હતું કે યુવતી હાલ 8 મહિનાની ગર્ભવતી છે. હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવતી સાથે સીધો સંવાદ સાધીને તેની અંગત ઈચ્છા જાણી હતી. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણ વિના પોતાના પાર્ટનર સાથે જ રહેવાની સ્પષ્ટ ઈચ્છા વ્યક્ત કરી હતી. જેના પગલે હાઈકોર્ટે બંધારણીય અધિકાર અને પુખ્ત વયની સ્વતંત્રતાને ધ્યાને રાખી યુવતીને તેના પાર્ટનર સાથે ફરી જોડાવાની મંજૂરી આપી હતી.

