VIDEO: મોટો ભડકો: પશ્ચિમ કચ્છ પોલીસમાં જૂથવાદ ચરમસીમાએ, SMCના દરોડા બાદ PI સહિત 3 સસ્પેન્ડ!
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પશ્ચિમ કચ્છમાં પાડવામાં આવેલા બે મોટા દરોડા બાદ પોલીસ બેડામાં ભારે જૂથવાદ અને ખળભળાટ સામે આવ્યો છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા વચ્ચેનો આંતરિક વિખવાદ હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. માનકુવા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી જુગાર ક્લબ પર SMCએ દરોડો પાડી 9 લાખની રોકડ જપ્ત કર્યા બાદ, રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ કડક વલણ અપનાવી માનકુવા પીઆઈ કુલદીપ ગઢવીને સસ્પેન્ડ કરી દીધા છે. તો બીજી તરફ, એસપી વિકાસ સુંડાએ કેરા આઉટપોસ્ટના એએસઆઈ જયંતી અને ડી સ્ટાફ ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહને સસ્પેન્ડ કર્યા છે. જોકે, આ આખી ઘટનામાં મુન્દ્રાના પ્રાગપર પોલીસ હદમાં પકડાયેલા 4 કરોડથી વધુના બાયોડિઝલ/ઓઇલ કૌભાંડમાં કોઈ પીઆઈ સામે પગલાં ન લેવાતા આઈજી અને એસપીની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. અગાઉ પણ એલસીબી પીઆઈ મકવાણાના સસ્પેન્શન વખતે એસપી વિકાસ સુંડાના આશીર્વાદથી આઈજીની સૂચનાઓનું ઉલ્લંઘન થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે પશ્ચિમ કચ્છ પોલીસનો આ આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.

