NEETમાં દેશમાં પ્રથમ આવેલી સુરતની કૃતી શર્માએ કહ્યું, રોજે રોજનું રિવિઝન કરવામાં આવે તો નીટ સરળ છે
નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-2024નું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં સુરતની વિદ્યાર્થિનીએ

નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-2024નું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં સુરતની વિદ્યાર્થિનીએ દેશભરમાં પ્રથમ રેન્ક હાંસલ કરીને ડંકો વગાડ્યો છે. ત્યારે 720 માર્કની પરીક્ષામાંથી 720 માર્ક મેળવીને દેશભરમાં પ્રથમ રહેલી કૃતી શર્માએ કહ્યું કે, નીટ મારે રોજે રોજનું રિવિઝન કરવામાં આવે તો નીટ સરળ છે. ડોક્ટર માતા-પિતા અને બહેન હોવાથી ઘરમાં સારો માહોલ મળતો હતો. સાથે જ સારા કોચિંગના કારણે પણ આ સફળતા મળી છે. આગામી સમયમાં માતાની જેમ ગાયનેક ડોક્ટર બનવાની ઈચ્છા હોવાનું તેણીએ વધુમાં ઉમેર્યું હતું.
રેફરન્સ બુકનો ઉપયોગ કર્યો
નીટના સ્કોરને ક્રેક કરવો સહેલો છે, જેના માટે કેટલીક ટિપ્સ છે, જે મેં ફોલો કરી હતી અને તે જ એક્સપિરિયન્સ અહીં શેર કરી રહી છું. પહેલાં તો ક્યારેય સ્ટ્રેસ લઈને અભ્યાસ ન કરો તેમ કહેતી આકાશમાં અભ્યાસ કરનારી કૃતિ શર્માએ ઉમેર્યુ કે, સ્કૂલ કે કોચિંગ ક્લાસમાં ધ્યાન આપીને ભણો અને નોટ્સ બનાવતા જાવ, કોઈ પણ ડાઉટ હોય તો તરત જ સરને પૂછીને તેને સોલ્વ કરી દો. ઘરે આવીને ફ્રેશ થઈને સ્કૂલ કે કોચિંગમાં જે પણ ભણ્યા છો અને નોટ્સ બનાવી છે તેનું રિવિઝન કરો. જે તે ટોપિકને લગતા અનેક પ્રશ્નો રેફરન્સ બુકમાંથી તેમજ જૂનાં પેપરોમાંથી પ્રશ્નો સોલ્વ કરો. શક્ય હોય એટલી સ્કૂલ કે કોચિંગ ક્લાસની પરીક્ષાઓ આપો અને તેમાં માર્ક્સ ક્યાં કપાઈ રહ્યા છે તે ટોપિક શોધીને તેનો ફરીથી અભ્યાસ કરો. રોજ આવું કરવાથી ખૂબ જ ફાયદો થશે. શક્ય હોય તો રોજના સ્ટડીમાં બ્રેક ન આવે એના પર ભાર આપો. નીટના લાસ્ટ થ્રી મંથની વાત કરું તો પહેલા મંથમાં જે ટોપિક હાર્ડ લાગે તેની તૈયારી પહેલાં કરો અને જે સહેલા છે તેની લાસ્ટમાં તૈયારી કરો.
કૃતી લંચ-ડિનર કરતી ત્યારે પ્રોબ્લેમ ઉકેલતી હતી
કૃતીની માતા ડો. રાખી શર્માએ જણાવ્યું કે કૃતી પહેલેથી જ ભણવામાં હોશિયાર છે. તે પોતાને ક્યારેય કોમ્પિટિશનમાં ઉતારતી નથી. માત્ર પોતાના સ્ટડી પર જ ધ્યાન આપે છે. તે સ્ટડીને લઈ સ્ટ્રેસમાં હોય તો હું લંચ કે ડિનર વખતે તેની સાથે વાત કરીને પ્રોબ્લેમ જાણી ઉકેલતી હતી. હું અને મારા પતિ ડોક્ટર છે તેમજ મોટી દીકરી ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે.
કૃતી હવે દિલ્હી એઇમ્સમાં એડમિશન લેશે
કૃતી શર્માના પિતા ડો. અરવિંદ શર્મા ફિઝિશિયન છે, જ્યારે માતા ડો. રાખી શર્મા લંબે હનુમાન રોડના પાલિકાના મૅટરનિટી હોમમાં RMO છે. તથા મોટી દીકરી ઇશીતા શર્મા MBBSમાં અભ્યાસ કરી રહી છે. કૃતીએ અડાજણની રાયન સ્કૂલની સાથે આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે. ધો. 10 અને ધો.12માં તેના 98% આવ્યા હતા. હવે કૃતી નવી દિલ્હી એમ્સમાં એડમિશન લઈને MBBSનો અભ્યાસ કરવા ઇચ્છે છે.
કટ ઓફ ઊંચુ જશે
કૃતીને અભ્યાસ કરાવનાર હિમાંશુ પુરોહિતએ કહ્યું કે, આ વખતે વિદ્યાર્થીઓને ખૂબ સારા માર્ક મળ્યા છે. આવું સારું રિઝલ્ટ આવવા પાછળના કારણોમાં જોઈએ તો આ વર્ષે 20 લાખ જેટલા વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. જેથી કોમ્પિટિશન વધી છે. સાથે જ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે છે. સાથે જ તેમને યોગ્ય સુવિધાઓ અને વાતાવરણ પણ મળી રહ્યું છે. આ વખતે પેપર પણ આસાન હતું. જેથી વિદ્યાર્થીઓને સારા સ્કોર મળતાં આ વખતે કટ ઓફ પણ ખૂબ ઊંચુ જાય તેવી શક્યતા છે.








