ડોન બનવા નીકળેલા ધમા બારડની કૃષ્ણનગર પોલીસે હવા કાઢી નાખી, GUJCTOC હેઠળ નોંધ્યો ગુનો
Krishnanagar Police registered case under GUJCTOC against Dhama Barad and 2 members of the gang | અમદાવાદમાં વધી રહેલા અસામાજિક તત્ત્વોના આતંક અને ગુનાખોરીને

અમદાવાદમાં વધી રહેલા અસામાજિક તત્ત્વોના આતંક અને ગુનાખોરીને લઈને પોલીસે પણ હવે આરોપીઓ વિરુદ્ધ કડક રીતે કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી ચાલતી ધમા બારડ અને તેની ગેંગના 2 ગુંડાઓ પર હવે GUJCTOC કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલી ધમા બારડની ગેંગમાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બારડ, સાહિલ પટેલ ઉર્ફે જોગી અને ચિરાગ મરાઠી ઉર્ફે ચીબા ઉપર GUJCTOCનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ધમા બારડ વિરુદ્ધ અત્યાર સુધીમાં 26 ગુનાઓ
કૃષ્ણનગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા જ ધમા બારડ અને તેની ગેંગ વિરુદ્ધ તોડફોડ, મારામારી કરવી સહિતની ફરિયાદો નોંધાઈ હતી. જે બાદ તેને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. હવે તેના વિરુદ્ધ GUJCTOCની અમલવારી કરવામાં આવી રહી છે. ધમા બારડ અને તેની ગેંગના સભ્યોનો ગુનાહીત ઇતિહાસ જોઈએ તો :
- ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ પર 26
- સાહિલ પટેલ ઉર્ફે જોગી પર 10 ગુનાઓ
- ચિરાગ મરાઠી પર 03 ગુનાઓ
ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ અને તેની ગેંગ દ્વારા ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, મારામારી, ધાડ, હથિયારો સાથે નીકળવું, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતના ગુનાઓ આચરેલા છે જેને લઇને અલગ અલગ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં હવે પોલીસે GUJCTOC એટલે કે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ હેઠળની કલમો ઉમેરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ શહેરમાં અનેક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો અને ગેંગ ચલાવતા આરોપીઓનો ભય સ્થાનિકોમાં રહેલો છે, જેને પણ તાત્કાલિક પોલીસ કાર્યવાહી કરી જેલ હવાલે કરે તેવી લોકમાંગણી ઉઠી રહી છે.








