Junagadh news: કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર, ત્રણ ગુનામાં પોલીસે કાર્યવાહી કરી શરૂ
મહાશિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે ત્રણ ગુના

મહાશિવરાત્રિએ મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે ત્રણ ગુના દાખલ થયા છે. બાતમીના આધારે પોલીસે રાજસ્થાનના ઉદયપુર ખાતેથી તેની ધરપકડ કરી લીધી છે. તાલુકા પોલીસમાં નોંધાયેલા ર૦ લાખની ખંડણી માંગવાના તથા બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરવાના ગુનામાં ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી
ભવનાથના મેળાથી શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા તેને બહાર કાઢવા ઈન્દ્રભારથીએ અધિકારીઓને રજૂઆત કરી હતી. બાદમાં તેને બહાર કાઢવામાં આવી ત્યારે કીર્તિએ મહિલા પીઆઈ સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કરી હોવાનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ પ્રભાસ-પાટણના નિરાલી ખોડિયાર આશ્રમના મહંત અને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ આપતા કીર્તિ પટેલ સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજો ગુનો દાખલ થયો હતો.
ઈન્દ્રભારતી બાપુ સામે કિર્તી પટેલે લગાવ્યા ગંભીર આરોપ
આ તમામ ઘટનાક્રમ વચ્ચે તે ઈન્દ્રભારતી બાપુ સામે ગંભીર આરોપ લગાવતા વીડિયો જાહેર કરતી હતી. તેવામાં તા.ર૦ની રાત્રીએ કીર્તિ પટેલ સામે ર૦ લાખની ખંડણી માંગવી અને જો ખંડણી ન આપે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની તથા મારી નાખવાની ધમકી આપ્યાનો જૂનાગઢ તાલુકા પોલીસમાં અબઝલ સીડાએ ગુનો નોંધાવ્યો હતો. કીર્તિ પટેલના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. આરોપી અને ફરિયાદી પક્ષની દલીલો સાંભળી કોર્ટ દ્વારા માત્ર એક જ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે એટલે કીર્તિ પટેલ એક દિવસના રિમાન્ડ પર રહેશે.





