મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રાખડીના ધંધાના 17 લાખની લેતીદેતી મુદ્દે પિતાની નજર સામે યુવાન પુત્રનું અપહરણ, પાંચ ઝડપાયા

સુરતના અમરોલીની સ્વીટ હોમ રેસીડન્સીના ગેટ પાસેથી ગત રાતે 72 વર્ષીય પિતાની નજર

સુરતમાં રાખડીના ધંધાના 17 લાખની લેતીદેતી મુદ્દે પિતાની નજર સામે યુવાન પુત્રનું અપહરણ, પાંચ ઝડપાયા

સુરતના અમરોલીની સ્વીટ હોમ રેસીડન્સીના ગેટ પાસેથી ગત રાતે 72 વર્ષીય પિતાની નજર સામે પુત્રને માર મારી ક્રેટા કારની ડિક્કીમાં બેસાડી અપહરણ કરી ભાગી જતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે પોલીસે ગણતરીની મિનીટોમાં જ સાયણ ચેક પોસ્ટ રાખડીના ધંધાના રૂ. 17 લાખની લેતીદેતી મામલે અપહરણ કરનાર રાજકોટના વેપારી પિતા-પુત્ર સહિત પાંચને ઝડપી પાડી અપૃહ્રતને હેમખેમ મુકત કરાવ્યો હતો.

કારમાં કર્યુ અપહરણ

અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસીડન્સીમાં રહેતા પ્રવિણચંદ્ર મણીલાલ ગઢીયા ગત રાતે 9 વાગ્યે રેસીડન્સીના ગેટ નં. 1 પાસે ઉભા હતા. ત્યારે તેમનો મોટો પુત્ર યોગેશ (ઉ.વ. 40) કાર લઇને આવ્યો હતો અને પાર્કીંગમાં કાર પાર્ક કરી પિતા પ્રવિણચંદ્ર પાસે ઉભો હતો. આ અરસામાં એક આધેડ સહિત પાંચેક જણા ઘસી આવ્યા હતા અને યોગેશને માર મારી ઉંચકીને રોડની સામે પાર્ક ક્રેટા કારની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી ભાગી ગયા હતા. જેને પગલે વૃધ્ધ પિતા પ્રવિણચંદ્રએ તુરંત જ પરિવારને અને ત્યાર બાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતા અમરોલી પોલીસ દોડી આવી હતી. 

42 લાખનો વિવાદ

વૃધ્ધ પિતાની નજર સામે પુત્રને માર મારી અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી. વનાર અને પીએસઆઇ હર્ષીસ પટેલે ગંભીરતાથી લઇ તુરંત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઇલના લોકેશન તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી ગણતરીની મિનીટોમાં સાયણ ચેક પોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવિણ ઘેટીયા અને તેના પુત્ર હાર્દિક ઘેટીયા અને તેમના ત્રણ સાથીદાર મળી પાંચની ધરપકડ કરી અપહ્રત યોગેશ ગઢીયાને હેમખેમ મુકત કરાવી કાર કબ્જે લીધી હતી. પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે રાજકોટમાં હોલસેલમાં રાખડીનો ધંધો કરતા પિતા-પુત્ર પ્રવિણ ઘેટીયા અને હાર્દીક ઘેટીયા પાસેથી રૂ. 42 લાખનો માલ ખરીદયો હતો. જે પૈકી રૂ. 17 લાખનું પેમેન્ટ યોગેશે ચુકવવાનું બાકી હતું અને આ પૈસાની લેતીદેતીમાં તેઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. ઉપરાંત ગત નવેમ્બરમાં પ્રવિણ ઘેટીયા ઉઘરાણી કરવા માટે યોગેશના ઘરે પણ ગયો હતો.

આ સમાચાર શેર કરો