Video: નડિયાદના કોલેજ રોડ પર કપડાંના શોરૂમમાં ભીષણ આગ: અંબા આશ્રમ પાસે આગ વિકરાળ બનતા ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાયા

નડિયાદના અંબા આશ્રમ પાસે આવેલા બેન્ક્વેટ હોલ અને હોટેલની બાજુના આ કપડાંના શોરૂમમાં આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. શોરૂમની અંદર કપડાંનો મોટો જથ્થો હોવાથી આગે ખૂબ જ ઝડપથી ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની જ્વાળાઓ આસપાસની અન્ય દુકાનો સુધી ફેલાવવાની પૂરી દહેશત ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ફાયર ફાઈટિંગ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ સમય સૂચકતા વાપરીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને અન્ય દુકાનોમાં ફેલાતી અટકાવીને તેના પર કાબૂ મેળવવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આ ભયાનક આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડતાં માર્ગ પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી. હાલ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી છે અને કેટલું નુકસાન થયું છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.







