Kutch news: જમીન માપણી વધારાનો બનાવટી આદેશ બનાવનાર કલેકટર કચેરીનો કલાર્ક ઝડપાયો

Kutch news: જમીન માપણી વધારા માટે કચ્છ કલેકટરની ખોટી સહી સાથેનો પત્ર બનાવી ઠગાઈ કરવાના બનાવમાં તત્કાલીન કલાર્કની ધરપકડ કરવામાં આવી છે. ગત 18 સપ્ટેમ્બરના ભૂજના ગ્રામ્ય મામલતદાર અરૂણ નાગરમલ શર્માએ ભૂજ એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપી તત્કાલીન કલાર્કને ઝડપી લેવામાં આવ્યો છે. કચ્છ જિલ્લાના કલેકટર કચેરીમાં ખોટો ઓર્ડરને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, અરજદાર નીતાબેન લક્ષ્મણ રાઘવાણીએ અરજી કરી હતી કે, ભૂજ તાલુકાના રતિયાની સર્વે નંબર 206 વાળી જમીનમાં રહેલા એકર 2-31 ગુંઠા માપણી વધારો નિયમિત થવા રજૂઆત કરી હતી. આ માટે કલેકટર કચેરીના જમીન માપણી વધારાનો તા.17-4-2025નો ચીટનીશ ટુ ધી કલેકટરની સહિવાળો પત્ર અને જમીન માપણી વધારાની રકમ 2,58,606 ભરપાઈ કરી હોવાનો પત્ર જોડ્યો હતો. જોકે ઈ-સરકારની ફાઈલમાં તપાસ કરતા આ પત્ર ઓનલાઈન અપલોડ થયો ન હતો. તેમજ બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું.
ભૂજ કલેક્ટર કચેરીની મહેસૂલ શાખામાં તત્કાલીન કલાર્ક તરીકે ફરજ બજાવતા અનીલકુમાર ભીખાભાઈ કરણે કોઈપણ જાતના પુરાવા વિના આ પત્ર બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું હતું. ખોટા દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી ગુનો કર્યો હતો જેથી એ-ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી ફરાર હતો. ભૂજ એલસીબીએ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના લાલાવાડા ગામમાં રહેતા આરોપી અનિલકુમાર ભીખાભાઈ કરણને તેના ગામમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળી પાસેથી પકડી એ-ડિવિઝનના હવાલે કર્યો હતો.

