VIDEO: ખેડાના ગળતેશ્વરમાં એક જ રાતમાં 3 ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોની હાલત કફોડી બની
VIDEO: સમગ્ર ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવીને કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જે ક્રમમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં એક જ રાતમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. આ કમોસમી વરસાદને લીધે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લામાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ભારત ચોખાના ઉત્પાદનમાં વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. આજ રીતે ખેડા જિલ્લામાં ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. આ માવઠાને લીધે ખેડૂતોના મોંએ આવેલ કોળિયો ઝૂંટવાઈ જવાની વિસમ પરિસ્થિતિ સર્જાઈ છે.
ખેડા જિલ્લામાં કમોસમી વરસાદથી ગળતેશ્વરના સેવાલિયામાં મેઈન રોડ વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત
વિવિધ વિસ્તારો પણ વરસાદી પાણીથી પ્રભાવિત થતા લોકોને ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. ધરતીના તાતને ડાંગર, તમાકુ તેમજ રાજગરા જેવા પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. હજી ગુજરાતમાં આગામી ચાર દિવસ માવઠું થવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ડાંગરના છોડવા પણ પાણીમાં ગરકાવ થયા છે. કાપેલી ડાંગરો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગળતેશ્વર-મેનપુરા ગામના ખેડૂતોની લગભગ 300થી 350 વીઘા જમીન પર ઉગાડવામાં આવેલી ડાંગરમાં કમોસમી વરસાદી પાણી ફરી વળ્યા છે. સમગ્ર ગળતેશ્વરના અન્ય ગામડાઓના ખેડૂતોની દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે.

