VIDEO: ડાકોરમાં 'વર્લ્ડ વિમેન્સ ડે'ની ઉજવણી: યોગમાં વિશ્વ રેકોર્ડ સર્જનાર દીકરીઓને જગદીશ વિશ્વકર્માની હાજરીમાં પુરસ્કાર અપાયો
Women's Day Wishes/ VIDEO: આજે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' નિમિત્તે ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે આવેલા સંત પુનિત સત્સંગ હોલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત ભાજપ અગ્રણી જગદીશ વિશ્વકર્માએ વિશેષ હાજરી આપી હતી. કાર્યક્રમનો પ્રારંભ ૫ ધારાસભ્યો અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
સ્ત્રી એ સર્વશક્તિમાન: નયનાબેન પટેલ
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે સ્ત્રીઓની શક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, સ્ત્રી એ જગતની એક અભિન્ન અભિવ્યક્તિ છે. આજે ભારતમાં 50 ટકા મહિલાઓએ દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન પ્રાપ્ત કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. સ્ત્રી સર્વશક્તિમાન છે અને તેની શક્તિ વિના સમાજની કલ્પના અશક્ય છે.
જગદીશ વિશ્વકર્માના આકરા તેવર
પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપતા જગદીશ વિશ્વકર્માએ મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું, પરંતુ સાથે જ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા વાક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું અપમાન કરીને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન કર્યું છે. રાજકીય નિવેદનબાજીમાં મહિલા ગરિમા જળવાવી જોઈએ તેવો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.
પ્રતિભાઓનું સન્માન
આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર નારી રત્નોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં નડિયાદની આચાર્ય ટ્વિંકલ હિતેષભાઈ (જેમણે યોગમાં 5 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે) અને પટેલ જાનકી હેમંત કુમાર (આંતરરાષ્ટ્રીય ગરબા સ્પર્ધાના વિજેતા)નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીએ ખેડા જિલ્લાની મહિલાઓમાં નવો ઉત્સાહ જગાડ્યો છે.

