ખ્યાતિકાંડ: કાર્તિક પટેલ જ મુખ્ય કાવતરાખોર, તેને બિનતહોમત ના છોડાય- રાજ્ય સરકાર
ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ચકચારીભર્યા કૌભાંડમાં મુખ્ય સૂ

ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના ચકચારીભર્યા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર એવા આરોપી ચેરમેન કાર્તિક પટેલે આ કેસમાંથી બિનતહોમત છૂટવા માટે અત્રેની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી. જોકે રાજ્ય સરકાર તરફથી કાર્તિક પટેલની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ કરતું સોગંદનામું કરી જણાવ્યું કે સમગ્ર કૌભાંડમાં કાર્તિક પટેલ જ મુખ્ય કાવતરાખોર આરોપી છે.
ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં આરોપી ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ
સરકારપક્ષના સોગંદનામાને રેકોર્ડ પર લઈ કાર્તિક પટેલની ડિસ્ચાર્જ અરજીની વધુ સુનાવણી તારીખ 21મી નવેમ્બરના રોજ રાખી છે. ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં આરોપી ચેરમેન કાર્તિક જશુભાઈ પટેલની ડિસ્ચાર્જ અરજીનો સખત વિરોધ કરતાં રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર વિજય બારોટે જણાવ્યું હતું કે માત્ર પૈસાની લાલચમાં અને નફો રળવાની લ્હાયમાં આચરાયેલા આ કૌભાંડ અને ગુનાહિત ષડયંત્રમાં ત્રણ નિર્દોષ દર્દીઓના મૃત્યુ થયા હતાં અને કેટલાયની જરૂર નહીં હોવા છતાં એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરી દેવાઈ હતી. સમગ્ર કેસમાં કાર્તિક પટેલ જ ચેરમેન હોવાથી તે મુખ્ય કાવતરાખોર અને મુખ્ય સુત્રધાર છે.
કાર્તિક પટેલ જ ચેરમેન હોવાથી એ મુખ્ય કાવતરાખોર
સમગ્ર કેસમાં કાર્તિક પટેલ જ ચેરમેન હોવાથી એ મુખ્ય કાવતરાખોર અને મુખ્ય સૂત્રધાર છે. કારણકે તેના કહેવાથી જ સમગ્ર કૌભાંડ ચાલતું હતું, તેના તાબા હેઠળના તમામ ડોક્ટરો, સ્ટાફ કર્મચારીઓ અને માર્કેટીંગ ટીમ તેના કહેવાથી જ નિર્દોષ, અભણ અને અજ્ઞાની દર્દીઓને બિનજરૂરી ઓપરેશનો કરવા સમજાવતા હતા, અને સરકારી વેબસાઈટમાં ચેડા કરીને તેમના કાર્ડ કાઢી સારવારના ઓઠા હેઠળ લાખો-કરોડો રૂપિયા ખંખેરી લેવાતા હતા.






