JUNAGADH / કોયલાણામાં પરશોત્તમ રૂપાલાની સ્મશાનયાત્રા કાઢ્યા બાદ પૂતળું બાળવામાં આવ્યું
Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે રાજપૂ

Junagadh News : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે રાજપૂત સમાજ દ્વારા રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ આપેલ નિવેદનના વિરોધમાં પુતળા દહન કાર્યક્રમ યોજયો હતો. પૂતળા દહન વખતે રાજપૂત સમાજ દ્વારા જુદા જુદા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્ષિત કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ પ્રદર્શિત કરતી વખતે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે અંગે કાળજી લેવામાં આવી હતી.
કેશોદના કોયલાણા ગામે સોમનાથ જતાં નેશનલ હાઇવે પર રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાની સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી અને "રૂપાલા હાય હાય" "રામ બોલો ભાઈ રામ"ના નારાઓ લગાવી કાટિયું ફોડવા સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતો.
રાજપૂત સમાજ દ્વારા પરશોત્તમ રૂપાલાએ એક સમાજના સ્નેહમિલન પ્રસંગે હાજરી આપતી વખતે તે સમાજને સારૂ લાગે તે માટે તેઓ ઝૂંકયા નથી તેમ કહી ક્ષત્રિયો વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. કેશોદના કોયલાણા ગામે પણ રાજપૂત સમાજે રૂપાલાનું પુતળા દહન કરી રૂપાલા વિરૂદ્ધ આક્રોષ વ્યક્ત કરી તેમના વિરૂદ્ધ પગલાં ભરવા માંગ કરી હતી.






