જામનગરની મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનીએ ડોક્ટર પર લગાવ્યો જાતીય સતામણીનો આરોપ

જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીનો આરોપ મૂકતાં ખળભળાટ મચી ગયો છે. અહીંની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થિની ડોક્ટર યુવતીએ પોતાના વિભાગના તબીબ ડો.દીપક રાવલે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ કરી છે. આ અંગેની તપાસ જાતીય સતામણી કમિટીને સોંપવામાં આવી છે.
યુવતીએ પોલીસ ફરિયાદમાં ડોક્ટર સામે કરેલા આક્ષેપો
આ યુવતીએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, ડો.દીપક રાવલ તેને તેના જ ફોટો પાડીને મોકલે છે, તેઓ લખે છે કે તુ ખૂબ સુંદર છે. જો કે, આ તબીબ તેને નાપાસ કરશે એવા ડરથી તેણે ફરિયાદ કરી ન હતી. ઓપરેશન થિયેટરમાં હોઈએ ત્યારે એમ કહેતા હતાં કે તુ મારી સામે જોતી નથી. એ વખતે પણ મને નાપાસ કરે એવો ડર હતો. જો કે, હવે પરીક્ષામાં પાસ થઈ જવાથી હિંમત ભેગી કરીને ફરિયાદ કરી છે.
પહેલા લેખિત રજૂઆત કરી ન હતી : ડીન
જો આ બાબતે યોગ્ય તપાસ થશે તો ડો. દીપક રાવલ સામે અનેક ફરિયાદો હોઈ શકે છે. બીજી તરફ, આ પ્રકરણમાં એવો પણ આક્ષેપ છે કે, આ અંગે મેડિકલ કોલેજના જવાબદારો સમક્ષ મૌખિક ફરિયાદ કરાઈ હતી, પરંતુ જે તે વખતે મેડિકલ કોલેજના ડીન દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતાં. જો કે, ડીનના કહેવા મુજબ માત્ર સાંભળેલી વાતો પરથી કોઈ સામે જાતીય સતામણીના આરોપ કરી શકાય નહીં. આ માટે લેખિત રજૂઆતની જરૂર રહે છે.
27 વર્ષથી આ વિભાગમાં કાર્યરત છું, આજ સુધી ફરિયાદ નથી આવી : ડો.દીપક રાવલ
સાથે GSTV સાથે ટેલીફોનીક વાતચીતમાં ડો.દીપક રાવલે પોતાનો પક્ષ મૂકતા કહ્યું કે તેમની સાથે છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે. વિભાગીય વડા દ્વારા તેમને હેરાન કરવામાં આવે છે અને તેમની સાથેની કોઈ રકઝકની અદાવતનો ખાર રાખીને તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય તેવું તેમને લાગી રહ્યું છે. તેમની સાથે કામ કરતા તેમના સહકર્મી ઘણા વર્ષોથી તેમની સાથે કામ કરે છે તેમજ તેઓ ખુદ 27 વર્ષથી આ ક્ષેત્રમાં અને આ જ વિભાગમાં કાર્યરત છે તો આજ દિવસ સુધી કેમ કોઈ ફરિયાદ કરવામાં ન આવી? જ્યારે તેમને વિભાગીય વડા સાથે કોઈ મન દુઃખ થયું ત્યારબાદ ફરિયાદ થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાલ જાતીય સતામણી સમિતિના અધ્યક્ષ ડો.દીપક રાવલ છે
આખરે સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવતાં હવે મેડિકલ કોલેજમાં કાર્યરત જાતીય સતામણી સમિતિ આ કેસની તપાસ કરશે. જો કે આ સમિતિ પહેલેથી જ કાર્યરત છે, પરંતુ તેના વડા વિભાગના જ છે. આ કારણસર અન્ય વિભાગના તબીબને સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપાશે. એવી ચર્ચા છે કે, આ દિશામાં કોઈ કાર્યવાહી નહીં થાય અને યુવતીને ન્યાય પણ નહીં મળે.

