Video: જામનગર એરફોર્સ સ્ટેશને ચક્રવાત અને પૂરની સ્થિતિમાં બચાવ અભિયાનનું નિદર્શન

ચક્રવાત દરમિયાન દરિયામાં ફસાયેલા લોકો અને માછીમારોને બચાવવામાં વાયુસેનાની શું ભૂમિકા રહી શકે, તેનો પણ સમગ્ર કવાયતમાં સમાવેશ કરાયો હતો. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ દરિયામાં ફસાયેલા લોકોની શોધખોળ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કર્યું હતું. કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા વિન્ચિંગ ઓપરેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. સાથે જ બચાવાયેલા લોકોને ઓફશોર હોસ્પિટલ શિપમાં પહોંચાડવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું. બચાવ કામગીરી બાદ રાહત અને પુનઃસ્થાપનના તબક્કામાં ભારતીય વાયુસેનાના C-295 અને C-17 સહિતનાં વિમાનોની ભૂમિકા દર્શાવાઈ હતી. C-295 વિમાન દ્વારા આર્મીનાં વાહનો અને જવાનોને ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે સ્ટ્રેચર અને છ બેઠેલા દર્દીઓ સહિત ગંભીર હાલતના નાગરિક દર્દીઓને બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું.
રાહત સામગ્રી અને સાધનોના પરિવહનમાં C-17 વિમાન દ્વારા NDRFનાં ભારે સાધનો પહોંચાડવામાં આવ્યાં હતાં. બીજી તરફ આર્મીની ટીમે લોજિસ્ટિક્સ કોરિડોર મારફતે લોહી સહિતની જરૂરી સામગ્રી ફિલ્ડ હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી દર્શાવી હતી. આ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા એટલે કે QUAD દેશોના પ્રતિનિધિઓની પણ ભાગીદારી રહી હતી. કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ લેવલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ્ય માત્ર આપત્તિ સમયે બચાવ કામગીરીની ક્ષમતા વધારવાનો જ નહીં, પરંતુ વિવિધ દેશો અને એજન્સીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંકલન અને માનવીય સહાયની ભાવનાને વધુ મજબૂત કરવાનો પણ રહ્યો હતો.















