રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, મનસુખ સાગઠિયાએ TRP ગેમઝોનના સંચાલકો પાસેથી લીધી હતી લાંચ
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભુત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભુત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)એ કબૂલ્યું છે કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડયું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.
2021માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદે બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી.
અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો
આખરે આ ગેરકાયદે બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. તે સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ કેમ તોડયું ન હતું તેની પાછળના કારણો અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થતી હતી. આ માટે ભ્રષ્ટાચાર કારણભુત હતો કે નેતાઓની ભલામણ તે બાબતે તર્ક-વિર્તકો થતા હતા.
જો કોઈ નેતાની ભલામણ હતી તો તેનું નામ શું છે અગર તો લાંચ લીધી હતી તો કેટલી તે બાબતેના કોઈ ખુલાસા અત્યાર સુધી થયા ન હતા કે પછી તપાસનીશો દ્વારા જાહેર કરાયા ન હતા. કરોડોની અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબી પાસે 6 દિવસના રિમાન્ડ પર રહેલા સાગઠિયાએ આખરે કબૂલ્યું હતું કે તેણે ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ લાંચ લઈને તોડ્યું ન હતું.
જોકે તેણે આ માટે કેટલી લાંચ લીધી તે અંગે એસીબીના અધિકારીઓએ ખુલાસો કરવાનું હાલ ટાળ્યું છે. એસીબીની તપાસમાં થયેલા આ ખુલાસાથી સ્પષ્ટ થયું છે કે જો જે-તે વખતે જ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હોત તો કદાચીત 27 નિર્દોષ લોકોનો ભોગ ન લેવાત. એટલું જ નહીં એસીબી સમક્ષની સાગઠિયાની બીજી કબુલાતથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે મનપામાં મોટાપાયે, પેટભરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો.
એસીબી આગળની કાર્યવાહી કરશે
આ ફાઈલો થોકબંધ હોવાથી તે મળવામાં જ ચાર-પાંચ દિવસનો સમય લાગી જશે. ત્યાર પછી આ તમામ ફાઈલોનો એસીબી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરશે. એસીબીની આ કાર્યવાહીથી સાગઠિયા સાથે મળી ભ્રષ્ટાચાર કરનાર બિલ્ડરો, આર્કીટેકટો વગેરેની મુશ્કેલીઓ વધે તેવી શકયતા છે. જોકે સાગઠિયા સાથે ભળેલા મનાતા નેતાઓને ઉની આંચ આવશે કે કેમ તે હજુ સુધી સૌથી મોટો સવાલ છે.








