હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ મારી નાખીશ-કહી ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રી સાથે ઈન્સ્ટાગ્રામ થકી મિત્

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રી સાથે ઈન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવવી ભારે પડીહતી. કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી નહીં કરે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ. તેવી ધમકી આપી જબરજસ્તી સહી કરાવી લેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કનડગત કરતો હતો
કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્નકલાકારની ૨૨ વર્ષની પુત્રીની દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ વ્હોટ્સએપ ઉપર વાત કરતા હતા. તે દરમિયાન જતીનના કહેવાથી પ્રિન્સી(નામ બદલેલ છે)એ પોતાના ફોટા મોકલાવ્યા હતા. પરંતુ ત્યાર બાદ યેનકેન પ્રકારે જતીન પ્રિન્સીનો પીછો કરી કનડગત કરતો હતો.
કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવવા કહ્યું
વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા કહ્યું હતુ. પરંતુ પ્રિન્સી(નામ બદલેલ છે)એ ઈન્કાર કરતા જતીને ફોર્ટો વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનીલનો ભાઈ જ છું. ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ એવી ધમકી આપી હતી. જેથી પ્રિન્સી ડરી ગઈ હતી અને જતીનના કહેવા મુજબ વકીલની ઓફિસમાં જઈ કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરી હતી અને બંનેના સાથે ફોટા પાડયા હતા. પરંતુ ત્યાર બાદ જતીને પ્રિન્સીના ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જેથી પ્રિન્સીએ સમગ્ર બાબતની જાણ તેના કાકાને કરી હતી અને ફરિયાદ નોંધાવતા ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી છે.








