VIDEO: રાજકોટમાં હનીટ્રેપ, નિવૃત્ત શિક્ષકને ગેંગે પ્રેમજાળમાં ફસાવ્યા, ફોટા પાડી 12 લાખ ખંખેરી લીધા!
VIDEO: રંગીલા રાજકોટમાં હનીટ્રેપની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોટાદના એક નિવૃત્ત શિક્ષકને પ્રેમજાળમાં ફસાવી,

VIDEO: રંગીલા રાજકોટમાં હનીટ્રેપની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોટાદના એક નિવૃત્ત શિક્ષકને પ્રેમજાળમાં ફસાવી, પરાણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી વસૂલનાર ગેંગનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય સૂત્રધાર પાયલ પટેલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
હોટલમાં બોલાવી રચાયું કાવતરું
ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ બોટાદના નિવૃત્ત શિક્ષકને ટાર્ગેટ કર્યા હતા. ટોળકીની મહિલા આરોપી શિક્ષકને રાજકોટની એક હોટલમાં લઈ ગઈ હતી, જ્યાં તેમની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન ગેંગની અન્ય એક મહિલાએ શિક્ષકના આપત્તિજનક ફોટા અને વીડિયો પાડી લીધા હતા.
અપહરણ કરી 12 લાખની ખંડણી વસૂલી
ફોટા પાડ્યા બાદ આરોપીઓએ નિવૃત્ત શિક્ષકનું હોટલમાંથી જ અપહરણ કર્યું હતું. તેમને ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ પૈસા નહીં આપે તો તેમના વિરુદ્ધ બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવામાં આવશે. બદનામીના ડરથી ગભરાયેલા શિક્ષક પાસેથી આ ટોળકીએ અંદાજે 12 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
ક્રાઈમ બ્રાન્ચની એક્શન અને શોધખોળ
આ મામલે એસીપી ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને મુખ્ય સૂત્રધાર પાયલ પટેલ તેમજ તેના સાથીદારોની ધરપકડ કરી છે. રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી, આ ઘટનામાં સામેલ અન્ય એક ફરાર મહિલાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.






