VIDEO: દુબઈમાં ફસાયેલા 50 ભારતીયોની સલામત ઘરવાપસી: યુદ્ધના ઓછાયા વચ્ચે કેન્દ્ર સરકારનું 'સ્પેશિયલ ઓપરેશન' સફળ
VIDEO: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે સામાન્ય નાગરિકો અને પર્
VIDEO: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે સામાન્ય નાગરિકો અને પર્યટકો પર જોવા મળી રહી છે. આ યુદ્ધના કારણે હવાઈ સેવાઓ ખોરવાતા દુબઈમાં ફસાયેલા સાબરકાંઠા સહિતના 50 જેટલા ભારતીય પ્રવાસીઓ આજે સલામત રીતે ભારત પરત ફર્યા છે. મુંબઈ એરપોર્ટ પર ઉતરતા જ પ્રવાસીઓના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી જોવા મળી હતી.
વીડિયો બનાવી માંગી હતી મદદ
થોડા દિવસો પહેલા જ સાબરકાંઠાના યાત્રિકો સહિત અનેક ભારતીયોએ દુબઈથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે યુદ્ધની સ્થિતિને કારણે ફ્લાઈટ્સ રદ થતા અને વિદેશી ધરતી પર અટવાઈ જવાને કારણે ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી હતી. આ ઘટનાની ગંભીરતાને સમજીને કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સરકારનું સ્પેશિયલ ઓપરેશન
યુદ્ધના મેદાનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સરકારે રાજદ્વારી ચેનલો અને સ્પેશિયલ ફ્લાઈટ્સનો સહારો લીધો હતો. ગતરોજ મુંબઈ એરપોર્ટ પર પહોંચેલા 50 જેટલા યાત્રિકોએ ભારત સરકારની તત્પરતાની પ્રશંસા કરી હતી. પ્રવાસીઓએ કેન્દ્ર સરકાર તેમજ આ મુશ્કેલ સમયમાં માર્ગદર્શન આપનારા મહંતોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
યુદ્ધની હવાઈ સેવા પર અસર
પશ્ચિમ એશિયામાં તણાવને કારણે અનેક દેશોએ પોતાના એરસ્પેસ બંધ કરી દીધા છે અથવા ફ્લાઈટ્સના રૂટ બદલી નાખ્યા છે. આના કારણે દુબઈ, કતાર અને અન્ય ગલ્ફ દેશોમાં હજુ પણ અનેક ભારતીયો ફસાયેલા હોવાની આશંકા છે. ભારત સરકાર આ તમામ નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાઈ રહ્યું છે.






