પથ્થરમારાના કેસમાં પોલીસે ભાજપ નેતા જવાહર ચાવડાને ભાગેડું દર્શાવ્યાં, હાઈકોર્ટે સરકારનો ઉધડો લીધો
ભાજપના નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે વ

ભાજપના નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે વર્ષ 2018માં જુનાગઢના વંથલીમાં પથ્થરમારાની ઘટનામાં પોલીસે તેમના પર ગુનો નોંધ્યો હતો. આ કેસમાં જવાહર ચાવડાએ હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ કેસમાં પોલીસે તેમને ભાગેડુ જાહેર કરી દીધા છે.
જવાહર ચાવડાએ કોર્ટ સમક્ષ પિટિશનમાં કહ્યું છે કે પોલીસ આ કેસમાં તપાસ આગળ નથી રહી અને આમ કરીને તેમના પર લટકતી તલવાર રાખી દીધી છે. તેમને આરોપી બનાવવાના હોય તો આરોપી બનાવે, જેથી તેઓ ટ્રાયલ લડી શકે અથવા તેમને છોડી મુકવા માટેનો રિપોર્ટ ભરે. આ રીતે 6 વર્ષોથી મામલો લટકાવી રાખી શકાય નહીં. આ મામલે હાઇકોર્ટે પોલીસ અને સરકારને સવાલો કર્યા છે.
હાઈકોર્ટે સરકારનો ઉધડો ઉધડો લીધો
હાઇકોર્ટના જજ નિરલ મહેતાએ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારનો ઉધડો લેતાં ટકોર કરી હતી કે તમે બીજા બધાં કેસમાં તાકીદે પગલાં લો છો અને આ કેસમાં તમે નોટિસ પાઠવીને બેસી રહ્યા છો. એક અઠવાડિયામાં સમગ્ર મામલે સ્પષ્ટતા કરો. આરોપી બનાવવા હોય તો બનાવો નહીં તો છોડી મુકવાનો રિપોર્ટ ભરો, આવી રીતે કેસ દબાવી ના રાખો.
પોલીસે તપાસ દરમિયાન ભાગેડૂ કે ફરાર દર્શાવ્યા
હાઇકોર્ટે એવી ટકોર પણ કરી હતી કે પોલીસે તપાસ દરમિયાન અરજદારને ભાગેડૂ કે ફરાર દર્શાવ્યા છે, પરંતુ શું તેઓ એ વિસ્તારની જાણિતી વ્યક્તિ નથી? તમે એમને બોલાવવા કે પકડવા માટે શું કર્યું? સરકાર તરફથી એડવોકેટે કહ્યું હતું કે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી. કોર્ટે વધુ ગંભીર નોંધ લેતાં ટકોર કરી હતી કે, તેઓ હાજર ન થયા તો શું પોલીસ ચુપચાપ બેસી રહી હતી? તમે દરેક કેસમાં આવી રીતે નોટિસ પાઠવીને બેસી રહો છો? પોલીસ પર હૂમલો થયો હોય એવા ગંભીર ગુનામાં તમે આવી રીતે કાર્યવાહી કરો છો? શું તમે આરોપીને હાજર થવા માટે આવી રીતે નોટિસ પાઠવીને બેસી રહો છો અને તેમને પકડતાં નથી!
હાઇકોર્ટે આ સમગ્ર મામલે કહ્યું કે એક અઠવાડિયામાં જવાબ નહીં આપો તો ગૃહવિભાગના સચિવને બોલાવામાં આવશે.








