અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા મામલે હાઇકોર્ટમાં સુનાવણી, પાંજરાપોળ ફ્લાયઓવરના વિરોધમાં કરેલી PIL કોર્ટે ફગાવી
અમદાવાદમાં બિસ્માર રસ્તા અને અણઘડ રોડ ડિઝાઇન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં ટ્રાફિક જંકશન પર અને આસપાસમાં થતા ટ

અમદાવાદમાં બિસ્માર રસ્તા અને અણઘડ રોડ ડિઝાઇન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હતી. જેમાં ટ્રાફિક જંકશન પર અને આસપાસમાં થતા ટ્રાફિકજામને ઘટાડવા રોડ ડિઝાઇનમાં ફેરફાર જરૂરી હોવાનો મહાનગરપાલિકાએ સ્વીકાર કર્યો હતો. સરખેજ ગાંધીનગર હાઇવે અને અલગ-અલગ વિસ્તારોના મુખ્ય માર્ગો પર રોડ કટ બંધ કરીને ટ્રાફિકની સમસ્યા સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.
મહાનગરપાલિકા દ્વારા હાઈવે પરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટમાં ડિઝાઇનમાં પણ બદલાવ લાવવાની ખાતરી આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે હેલ્મેટના નિયમોનું ચુસ્ત પાલન ફરજિયાતપણે કરાવવામાં આવે તેવી તાકીદ કરી હતી. ટુ વ્હીલર ચાલક અને પાછળ બેસનાર રાઇડર માટે પણ હેલ્મેટ ફરજિયાત છે, ત્યારે આ નિયમનું પણ પાલન કરાવવામાં આવે તેવા કોર્ટે નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો : AMCની નવી યોજના: અમદાવાદના રહીશોને આ 3 બાબતનું પાલન કરવા પર મળશે 10% ટેક્ષ રિબેટ
ગુજરાત પોલીસમાં ટ્રાફિક પોલીસ માટેની અલગ કેડર ઊભી કરવા પણ હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું હતું. કોન્સ્ટેબલ કક્ષાની ભરતી ઝડપી પૂર્ણ કરવા પણ હાઈકોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી હતી. IIMથી પાંજરાપોળ વચ્ચે બનનાર ઓવરબ્રિજના વિવાદમાં હાઇકોર્ટે ફ્લાય ઓવર બનવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા ઇનકાર કર્યો હતો. કોર્પોરેશનના નિર્ણયને પડકારતી PIL કોર્ટે ફગાવી હતી.






