Kheda: ગેંગરેપ-હત્યાકાંડમાં હાઇકોર્ટે 3 આરોપીઓને નિર્દોષ છોડ્યા, સેશન્સ કોર્ટે આપ્યો હતો મૃત્યુદંડ
વર્ષ 2018માં ખેડા જિલ્લામાં બનેલા ગેંગરેપ અને હત્યાના સંવેદનશીલ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ એક મહત્વનો અને
વર્ષ 2018માં ખેડા જિલ્લામાં બનેલા ગેંગરેપ અને હત્યાના સંવેદનશીલ કેસમાં ગુજરાત હાઇકોર્ટએ એક મહત્વનો અને ચર્ચાસ્પદ નિર્ણય આપ્યો છે. આ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવી ત્રણ આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી, પરંતુ હાઇકોર્ટએ તપાસમાં ગંભીર ખામીઓના આધાર પર ત્રણેય દોષિતોને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટએ પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે તપાસ દરમિયાન એકત્ર કરાયેલા ફોરેન્સિક પુરાવાઓમાં ગંભીર બેદરકારી જોવા મળે છે. ડીએનએ સેમ્પલ ઘટનાના 14 દિવસ બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ દરમિયાન સેમ્પલ કઈ રીતે અને કયા પરિસ્થિતિમાં સ્ટોર કરવામાં આવ્યા હતા તેની કોઈ સ્પષ્ટ માહિતી કે રેકોર્ડ તપાસ અધિકારીઓ પાસે ઉપલબ્ધ નહોતો.
કોર્ટએ નોંધ્યું કે બ્લડ અને સિમેનના સેમ્પલ આરોપીઓ સાથે મેચ થયા હોવા છતાં, સેમ્પલના સંગ્રહ, જતન અને FSL સુધી મોકલવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું. સંવેદનશીલ પુરાવા કઈ પરિસ્થિતિમાં લેવામાં આવ્યા, કોના દ્વારા લેવામાં આવ્યા અને તે દરમિયાન કયા સુરક્ષા પગલાં લેવાયા તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ તપાસ દસ્તાવેજોમાં જોવા મળતો નથી. હાઇકોર્ટએ વધુમાં કહ્યું કે ફોરેન્સિક પુરાવા જેવા મહત્વના તત્વોમાં જો તપાસ અધિકારીઓ બેદરકારી દાખવે તો માત્ર તેના આધારે આરોપીઓને દોષિત ઠેરવી શકાતાં નથી. તપાસ અધિકારીની આ ગંભીર બેદરકારીના કારણે આરોપીઓને કાયદાનો લાભ આપવો ફરજિયાત બને છે. આ કારણે હાઇકોર્ટએ સેશન્સ કોર્ટનો મૃત્યુદંડનો ચુકાદો રદ કરી ત્રણેય આરોપીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા છે.



