વૃદ્ધાવસ્થામાં માતા-પિતાનો સહારો ન બની શક્યાનું લખી સુસાઈડ કરવાના કેસમાં વ્યાજખોર ઝડપાયો
સુરતમાં રોજે રોજ વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાતના કેસ બની રહ્યાં છે. પોલીસ દ્વારા આકરી

સુરતમાં રોજે રોજ વ્યાજના વિષચક્રમાં ફસાઈને આપઘાતના કેસ બની રહ્યાં છે. પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતાંના પુણા વિસ્તારમાં એક યુવકે વ્યાજખોરથી કંટાળી આપઘાત કરી લીધો હતો. આ બનાવને પગલે સુસાઈડ નોટના આધારે વ્યાજખોર વિશાલ ભાલાળાની ધરપકડ કરી છે. યુવકે આપઘાત અગાઉ લખેલી સુસાઈડ નોટમાં માતાપિતાનો વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યાનું દુઃખ વ્યક્ત કરીને વિશાલ ભાલાળાને તેના મોત માટે જવાબદાર ઠેરવ્યો હતો.
પઠાણી ઉઘરાણી કરાતી હતી
વ્યાજખોરોના આતંકને નાથવા માટે પોલીસ ગમે તેટલી કડક કાર્યવાહી કરે પણ આ વ્યાજખોરો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. વ્યાજખોરોના કારણે વધુ એક પરિવારનો દિપક બુઝાઈ ગયો છે. સુરત શહેરના પુણા પોલીસની હદમાં રહેતા ઋષિત નામના યુવકે તેના જ મિત્ર વિશાલ ભાલાળા પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદ ઋષિત પાસે વ્યાજખોર મિત્ર વિશાલ સતત પઠાણી ઉઘરાણી કરતો હતો. અને મારી નાખવાની ધમકી તેમજ ગાળો આપતો હતો. જેને લઇને ઋષિત ત્રાસી ગયો હતો અને તેને જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું.
વિશાલને સજા કરવાની સુસાઈડ નોટમાં માગ
ઋષિતે સુસાઇડ કરતા પહેલાં માતા-પિતા, બહેન અને બનેવીને સંબોધી સુસાઇડ નોટ લખી હતી. જેમાં વિશાલ ભાલાળા દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવ્યો હતો તેનો તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. વ્યાજ ઉપર જેટલા રૂપિયા લીધા હતા તેની તમામ વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. વિશાલ ફોન ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરતો હતો. એક વર્ષથી તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું હતું તેવું સ્પષ્ટ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. ઋષિતે એવું પણ લખ્યું કે, મારા મોતના જવાબદાર વિશાલને સજા કરવામાં આવે નહીંતર તે અન્ય લોકોને પણ આવી જ રીતે હેરાન કરશે. ઋષિતે તે સુસાઇડ નોટમાં માતા-પિતાની માફી માગી વૃદ્ધાવસ્થામાં સહારો ન બની શક્યો હોવાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું હતું.








