આજે ઉજવવામાં આવી રહ્યો છે ગુજરાતી ભાષા દિવસ, આ અવસર પર જાણો વિસરાઈ ગયેલા શબ્દો અને તેના અર્થ
'સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે...' 'જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત...'

'સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે...' 'જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત...' જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. તેમની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 24 ઓગસ્ટની ઉજવણી 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ' તરીકે કરવામાં આવે છે.
આજે કવિ નર્મદનો 191મો જન્મદિવસ
સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા 'મારી હકીકત' એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે. નર્મદ પોતાની આત્મકથામાં લખે છે કે, 'આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું, પણ જે જે લખીશ તે તો... મારી જાણ પરમાણે સાચેસાચું જ લખીશ, પછી તે મારું સારું સારું હો કૈં નરસું હો, લોકને પસંદ પડો કૈં ન પડો...'
ગુજરાતી સાહિત્યમાં નર્મદના નામના આજે વાવટા ફરકે છે
નર્મદે 1851-52માં 'સ્વદેશહિતેચ્છુ' નામક સંસ્થાના ઉપક્રમે 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક શરૂ કરેલું, પણ તેને વધારે પ્રતિસાદ નહીં મળતાં 1864માં 'ડાંડિયો' પાક્ષિક શરૂ કર્યું. નર્મદે નિખાલસતા, સચ્ચાઈ, નિર્ભયતા અને પૂરી ગંભીરતાપૂર્વક પત્રકારત્વની પ્રવૃત્તિ કરેલી હતી. ગુજરાતી સાહિત્યમાં નર્મદના નામના આજે વાવટા ફરકે છે. ગુજરાતી ભાષા માટે તેમણે પોતાની જાતને ઘસી નાખી હતી. તેમ કહેવામાં અતિશયોક્તિ નહી ગણાય.
ગુજરાતી ભાષાના શબ્દકોશ નર્મકોશ તૈયાર કરવા નર્મદે વર્ષો આપ્યા
1870ના દાયકામાં કોઈએ જ્યારે કલ્પના સુદ્ધા નહીં કરી હોય ત્યારે નર્મદે ગુજરાતી ભાષાના શબ્દકોશ બનાવવાનું કામ હાથમાં લીધું હતું. આઠ વર્ષના પરિશ્રમ બાદ એ જમાનામાં તેમણે 25 હજારથી વધુ શબ્દો સાથેનો શબ્દકોશ તૈયાર કર્યો હતો. અલબત્ત, ગુજરાતી ભાષાની એ ખાસિયત કહો કે નબળાઈ પણ સાંપ જેમ કાંચળી બદલે તેમ સમયાંતરે આ ભાષા નવા શબ્દો અપનાવી લે છે.
અનેક શબ્દો સાવ વિસરાઈ ગયા
ગુજરાતી ભાષામાં પણ હાલ અનેક એવા શબ્દો જે વિસરાઈ ગયા છે અને તેનું સ્થાન અન્ય શબ્દોએ લઈ લીધું છે. જેમાં શિરામણ, વાળુ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. રાત્રિના ભોજન માટે વાળુ જ્યારે સવારના સમયના નાસ્તાને શિરામણ કહેવામાં આવે છે. હવે આ શબ્દોને સ્થાને મોટાભાગના લોકો ડિનર, બ્રેકફાસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે.
ગુજરાતી ભાષામાંથી વિસરાઇ રહેલા શબ્દો
- ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી-તલવાર કે કપડા-થેલી લટકાવી શકાય.
- ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો.
- વંડી : મકાનની આસપાસ માટીની બનાવવામાં આવેલી આશરે 6થી 8 ફૂટની દીવાલ.
- ગોખલા : વંડીમાં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીના કોડિયાં મૂકવા માટેની જગ્યા.
- ફળિયું : ઘરની આગળની જગ્યા.
- પછીત : ઘરની પાછળની દીવાલ.
- બુઝારું : ગાગર, હેલ, ગોળાને ઢાંકવાનું પિત્તળનું પાત્ર.
- ડોયો : ગોળામાંથી પાણી ગ્લાસમાં કાઢવાનું પાત્ર.
- ટબુડી : નાના બાળકોના પાણી પીવા માટે પિત્તળની ધાતુનું નાના આકારનું પાત્ર.
- ગરમું : રોટલા-રોટલી રાખવા માટેનું પિત્તળનું વાસણ.
- ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું કે જ્યાં ગાદલાં-ઓશિકા મૂકવામાં આવે છે.
- શિરામણ : સવારનો એ સમય જ્યારે ખેડૂતો વાડીએ જતા પહેલા નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને જતાં હોય છે.
- રોંઢા ટાણું : આશરે ૩ વાગ્યાનો સમય.
- ઝાલર ટાણું : સૂરજના આથમ્યા બાદના અડધા કલાકનો વખત જ્યારે મોટાભાગે મંદિરમાં આરતી થાય છે.
- વાળુ ટાણું : સંધ્યા ભોજનની વેળા.
- ટાપુવો : હાથથી ટીપેલો રોટલો
- જુગાઇ : ચતુરાઇ
- તાજિર : વેપારી
- પૂંવરો : દીકરો
- થાંદલો : ફાંદ
- જાંબૂનદ : સોનું
- ખાપોશ : પગરખું








