મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીને UGCનું ગ્રેડ-2 સ્ટેટસ, નવા કોર્સ અને વૈશ્વિક તકોના દ્વાર ખુલ્યા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ ક

ગુજરાત યુનિવર્સિટીને UGCનું ગ્રેડ-2 સ્ટેટસ, નવા કોર્સ અને વૈશ્વિક તકોના દ્વાર ખુલ્યા

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) તરફથી ગ્રેડ-2 સ્ટેટસ પ્રાપ્ત થયું છે. ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીને પ્રથમ વખત આ મહત્વપૂર્ણ સ્ટેટસ મળતાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નવી તકો સર્જાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ જગદીશ જોશી એ જણાવ્યું હતું કે, ગ્રેડ-2 સ્ટેટસ મળ્યા બાદ યુનિવર્સિટી હવે વધુ સ્વાયત્તતા સાથે વિવિધ સર્ટિફિકેટ, પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને રિસર્ચ આધારિત કોર્સ શરૂ કરી શકશે. ઉપરાંત વિદેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ તેમજ IIM અને IIT જેવી અગ્રણી સંસ્થાઓમાં ચાલતા કેટલાક કોર્સ પણ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ કરવાની દિશામાં પ્રયાસ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, જે કોર્સ માટે વિદ્યાર્થીઓને અત્યાર સુધી વધુ ફી ચૂકવીને અન્ય સંસ્થાઓ અથવા વિદેશમાં અભ્યાસ કરવો પડતો હતો, તેવા કોર્સ હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સામાન્ય અને વાજબી ફીમાં ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

જગદીશ જોશીના જણાવ્યા મુજબ, વિદેશમાં અભ્યાસ અથવા શિક્ષણનો અનુભવ ધરાવતા નિષ્ણાત અધ્યાપકોને પણ ગુજરાત યુનિવર્સિટીમાં આમંત્રિત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષણ વ્યવસ્થા અને માર્ગદર્શન મળી શકે.

યુનિવર્સિટી દ્વારા ખાસ કરીને સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, સ્કૂલ ઓફ મેડિકલ મેનેજમેન્ટ અને સ્કૂલ ઓફ હોસ્પિટલિટી મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે આંતરરાષ્ટ્રીય જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી અભ્યાસક્રમો શરૂ કરીને વિદ્યાર્થીઓને વૈશ્વિક તકો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

ફી મુદ્દે વિદ્યાર્થીઓની ચિંતાઓ દૂર કરતાં ઇન્ચાર્જ કુલપતિએ સ્પષ્ટ કર્યું કે યુનિવર્સિટી દ્વારા જરૂરી અને ન્યૂનતમ ફી રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકે.

ગુજરાત યુનિવર્સિટીને મળેલા UGC ગ્રેડ-2 સ્ટેટસને રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે ભવિષ્યમાં નવી શૈક્ષણિક અને સંશોધન તકોને પ્રોત્સાહન આપશે.

આ સમાચાર શેર કરો