મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Loksabha Election 2024: ગુજરાતની આ બેઠક પર લોકસભાના ઉમેદવાર માટે બે પત્ની કરી રહી છે ચૂંટણી પ્રચાર

પુત્ર,પિતા, પતિ અને પત્નીને ચૂંટણીમાં એક બીજા માટે પ્રચાર કરતા તો તમે જોયા અને સાંભળ્યા હશે પરંતુ ગુ

Loksabha Election 2024: ગુજરાતની આ બેઠક પર લોકસભાના ઉમેદવાર માટે બે પત્ની કરી રહી છે ચૂંટણી પ્રચાર

પુત્ર,પિતા, પતિ અને પત્નીને ચૂંટણીમાં એક બીજા માટે પ્રચાર કરતા તો તમે જોયા અને સાંભળ્યા હશે પરંતુ ગુજરાતની એક એવી લોકસભા બેઠક છે જ્યા એક પતિને લોકસભા ચૂંટણીમાં જીતાડવા માટે 2-2 પત્નીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે.

ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ચૈતર વસાવા માટે તેમની બે પત્નીઓ શકુંતલા અને વર્ષા ચૂંટણી પ્રચાર કરી રહી છે. આદિવાસી વસ્તી ધરાવતી આ બેઠક પર ચૈતર વસાવા પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ચૈતર વસાવાને જીતાડવા માટે બન્ને પત્નીઓ ભરૂચમાં ડોર ટૂ ડોર કેમ્પેઇન કરી રહી છે. એક તરફ ચૈતર વસાવા પુરૂષ અને યુવા મતદારોને મળીને પોતાની વાત પહોંચાડી રહ્યાં છે બીજી તરફ તેમની પત્નીઓ મહિલા મતદારોને મત આપવા માટે મનાવી રહી છે.

કોણ છે ભરૂચના ઉમેદવાર ચૈતર વસાવા?

2014માં ચૈતર વસાવાએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. ચૈતર વસાવા તે સમયે સરકારી નોકરી કરતા હતા. રાજકારણમાં આવવવા માટે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધુ હતુ. શરૂઆતમાં ચૈતર વસાવા છોટુ ભાઇ વસાવાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટી (BTP) સાથે જોડાયા હતા. 2017માં જ્યારે છોટુ વસાવાએ પોતાના પુત્રને ડેડિયાપાડા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા તો તેની કમાન ચૈતર વસાવાને જ આપી હતી.

2022 વિધાનસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવાએ BTP સાથે બળવો કર્યો હતો. ચૈતર વસાવાએ છોટુ વસાવા પર મનફાવે તેમ પાર્ટી ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૈતર વસાવા AAPમાં સામેલ થયા હતા અને ડેડિયાપાડા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ચૈતર વસાવાના આ નિર્ણયથી છોટુ વસાવા બેકફુટ પર આવી ગયા હતા અને તેમણે પોતાની પાર્ટીના ઉમેદવારનું નામ ત્યાથી પરત ખેચી લીધુ હતું.

ચૈતર વસાવા વર્તમાનમાં આમ આદમી પાર્ટીમાં ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ પણ છે. ચૂંટણી એફિડેવિટ અનુસાર ચૈતર વસાવા પર 10 કેસ નોંધાયેલા છે જેમાંથી મોટાભાગના કેસ 2021 અને 2022માં નોંધાયેલા છે.

વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત આવ્યા હતા ચર્ચામાં

ચૈતર વસાવાની બન્ને પત્નીઓ વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રથમ વખત ચર્ચામાં આવી હતી. ચૈતર વસાવા AAPની ટિકિટ પર ડેડિયાપાડા બેઠક પરથી ચૂંટણી લડતા હતા. ચૈતર વસાવાની મદદ કરવા માટે તેની બન્ને પત્નીઓએ કમાન સંભાળી હતી. ચૈતર વસાવા આ ચૂંટણી 40 હજાર મતથી જીતવામાં સફળ રહ્યાં હતા, તેમણે ભાજપના હિતેશ કુમારને હરાવ્યા હતા. ભાજપ ભરૂચમાં એક માત્ર આ બેઠક જ હાર્યું હતું. કોંગ્રેસના ઉમેદવારની અહીં ડિપોઝીટ ડૂલ થઇ હતી.

વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ જ ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી હતી. આ વચ્ચે તેમના પર વન વિભાગના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી હતી. ચૈતર વસાવા આ કેસમાં કેટલાક મહિના જેલમાં રહ્યાં હતા. ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)એ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. આદિવાસી વસ્તી ધરાવતી આ બેઠક ક્યારેક કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને કારણે જાણીતી હતી. જોકે, છેલ્લા 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે.

ચૈતર વસાવાને છે બે પત્ની

ચૈતર વસાવાને 2 પત્ની અને 3 બાળક છે. ચૂંટણી એફિડેવિટ અનુસાર, પ્રથમ પત્ની શકુંતલાના એક અને બીજી વર્ષાના 2 બાળક છે. 34 વર્ષીય ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે, જ્યા 2 લગ્ન કરવાની છૂટ છે.

શકુંતલા વસાવા- ચૂંટણી એફિડેવિટ અનુસાર ચૈતર વસાવાની પ્રથમ પત્ની શકુંતલા વસાવા છે. શકુંતલા જિલ્લા પંચાયતની અધ્યક્ષ પણ રહી ચુકી છે.

2014 પહેલા શકુંતલા ગુજરાત સરકારમાં નોકરી કરતી હતી પરંતુ પતિના રાજકારણમાં આવ્યા બાદ આ નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ શકુંતલા આદિવાસી મહિલાઓની લડાઇ લડી રહી છે. શકુંતલા પર ગુજરાતમાં મારપીટ અને એક્સટોર્સનનો કેસ પણ નોંધાયેલો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતની એક જિલ્લા કોર્ટે જામીન પર છોડ્યા હતા.

વર્ષા વસાવા- વર્ષા ચૈતરની બીજી પત્ની છે. ચૈતર વસાવા તરફથી દાખલ એફિડેવિટમાં વર્ષાને ગૃહિણી બતાવવામાં આવી છે. શકુંતલાના એક વર્ષ બાદ ચૈતર વસાવાએ વર્ષા સાથે લગ્ન કર્યા હતા.

વર્ષા પણ સરકારી નોકરી કરી ચુકી છે પરંતુ પતિ માટે તેને નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. ચૂંટણી એફિડેવિટ અનુસાર વર્ષા પાસે 3 લાખ 50 હજારના ઘરેણા છે. વર્ષાના નામ પર 4 લાખ રૂપિયાની સંપત્તિ પણ છે.

ચૈતર અને શકુંતલા જ્યારે જેલમાં હતા ત્યારે વર્ષાએ જ સરકાર વિરૂદ્ધ લડત ચલાવી હતી. વર્ષા આ દરમિયાન કોર્ટથી લઇને જમીન સુધી પતિ અને શકુંતલા માટે લડતી જોવા મળી હતી.

ભરૂચ લોકસભા બેઠકના સમીકરણ

ભરૂચ લોકસભા બેઠક નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગને કાપીને બનાવવામાં આવી છે. લોકસભામાં વિધાનસભાની કુલ 7 બેઠક છે. ચૂંટણની પંચ અનુસાર આ બેઠક પર 15 લાખ કરતા વધુ મતદાર છે.

જાતીય સમીકરણની વાત કરવામાં આવે તો 38 ટકા આદિવાસી મતદાર છે. તે બાદ પટેલ અને મુસ્લિમ વોટરોનું અહીં વર્ચસ્વ છે. ભરૂચ લોકસભા બેઠક પર 17 ટકા મુસ્લિમ છે.

2019ની ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવાને 55 ટકા મત મળ્યા હતા. કોંગ્રેસના ભાગમાં 26 અને બીટીપીના ભાગમાં 12 ટકા મત આવ્યા હતા.

આ સમાચાર શેર કરો