ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધન અંગે મોટા સમાચાર
Gujarat Local Body Elections 2025 : ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક

Gujarat Local Body Elections 2025 : ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ચૂંટણીના મેદાનમાં બાજી મારવા માટે તૈયારી કરી લીધી છે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે. ગઠબંધન મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે.
રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં કરીએ : કોંગ્રેસ
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંપૂર્ણપણે રાજ્યકક્ષાએ કોઈ ગઠબંધન કરવાનું નથી. પણ સાથે સાથે સ્થાનિક કક્ષાએ કોઈ એવી દર્ખાસ્ત આવતો તો સ્થાનિક સંગઠન તેની સાથે પરામર્શ કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે.
ઈસુદાન ગઢવીએ શું કહ્યું હતું?
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા ઈચ્છતી હતી. કારણ કે થોડા દિવસ અગાઉ ગઠબંધનને લઈને AAP પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, કોંગ્રેસને લોકસભામાં AAPએ ટેકો આપ્યો હતો. બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડે તો ભાજપને ફાયદો થશે. AAP ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સાથે રહી ચૂંટણી લડવા તૈયાર છે. આ મામલે સ્થાનિક લેવલે પ્રપોઝલ આવશે તો પણ અમે સ્વીકાર કરીશું. જો ગઠબંધન ના થાય તો AAP તમામ નગરપાલિકાઓમાં ચૂંટણીઓ લડશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને ઉતરશે NCP
મહારાષ્ટ્રમાં ગઠબંધન કરનાર એનસીપી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકલા હાથે ચૂંટણી લડશે. જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે એનસીપી સજ્જ બની છે. ગુજરાત NCP પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરે જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ વિંગના નેશનલ લેવલના સેક્રેટરી વિજય યાદવ 27મી જાન્યુઆરીએ ફોર્મ ભરશે. તેમજ ઘાટલોડિયા કૉર્પોરેશનની પેટાચૂંટણી પણ લડશે. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી.






