રાજકોટ અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સાડા ચાર કલાક સુનાવણી ચાલી, SITને 10 દિવસમાં રિપોર્ટ જમા કરાવવા આદેશ
Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમ

Rajkot Gamezone Fire : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સૂઓમોટો સુનાવણી હાથ ધરવામાં આવી હતી, સાડા ચાર કલાક સુધી ચાલેલી આ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે.
SITને 10 દિવસમાં રિપોર્ટ જમા કારવવા આદેશ
સુનાવણીમાં હાઇકોર્ટે કહ્યું કે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફટીના આદેશનું પાલન ન કરવામાં આવતા આ અગ્નિકાંડ થયો છે. આ સાથે હાઇકોર્ટે સરકારી મશીનરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સમગ્ર અગ્નિકાંડની તપાસ આરી રહેલી SITને 10 દિવસમાં રિપોર્ટ જમા કારવવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
હાઇકોર્ટે નોંધ કરી કે ટીઆરપી ગેમઝોનમાં ફાયર સેફટીનો અભાવ હતો, જેથી આગ લાગી હતી. કોર્ટે સ્થળ પર JCB દ્વારા કાટમાળ હટાવવાની કાર્યવાહી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો.
આ સાથે હાઇકોર્ટે અધિકારીઓ સામે લાલ આંખ કરતાં કહ્યું છે કે કોર્ટ એક તક આપે છે, હવે તક નહીં આપે, કોર્ટે અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ તૈયારીઓ દર્શાવી છે.
આ સાથે ગુજરાત હાઇકોર્ટે રાજ્યના તમામ ગેમજોન બંધ રાખવા કહ્યું છે અને રાજ્યની તમામ મહાનગરપાલિકાના કમિશનરોને ફાયર સેફટી મુદ્દે જવાબ રજૂ કરવા નોટિસ ઇશ્યૂ કરી છે.
અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી - હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારનો ઉધડો લેતા કહ્યું હતું કે, અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?' આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું, કે 'અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું? કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે 'આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને?
સરકારે કહ્યું - અમે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા
સરકારે હાઇકોર્ટમાં જવાબ રજૂ કરતાં કહ્યું કે સરકાર આ બનાવ મુદ્દે સંવેદનશીલ છે. અમે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. SIT, સીઆઇડી ક્રાઇમ, ફાયર અધિકારીએ ખડેપગે રહી કામગીરી હાથ ધરી છે. કાર્યવાહીનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ફાયર NOC, ફાયર સેફટીના અભાવ પર સરકાર આકરા પાણીએ છે અને રહેશે.
હવે 6 જૂને ફરી સુનાવણી
સુનાવણી બાદ કોર્ટે ફરી તંત્રને ટકોર કરી હતી કે અમે કમિશનરને સસ્પેન્ડ કરવાના હતા પરંતુ નથી કરી રહ્યા. સાથે સાથે ત્રણ જૂન પહેલા રાજકોટ પોલીસ કમિશનર અને અન્ય કોર્પોરેશનને એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે આ કેસની સુનાવણી 6 જૂને ચીફ જજની બેન્ચ સમક્ષ ચલાવવામાં આવશે.








