Ahmedabad news: ગુજરાત હાઇકોર્ટની મોટેરા આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી, 2030 પહેલા બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે

અમદાવાદના મોટેરા સ્થિત આસારામ આશ્રમ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે આસારામ પાસેથી અંદાજે 45 હજાર ચોરસ મીટર જમીન પરત લેવા રાજ્ય સરકારને લીલીઝંડી આપી છે. લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની ગૂંચવણો બાદ હવે મોટેરા આશ્રમ આસારામની પકડમાંથી મુક્ત થવાનો માર્ગ ખુલ્યો છે.
કોમનવેલ્થ 2030 પહેલા અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે
રાજ્ય સરકાર આ જમીનનો ઉપયોગ કોમનવેલ્થ 2030 પહેલા અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા કરશે. સાથે સાથે મોટેરા આશ્રમમાં આવેલા 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
૫૦૦ કરોડની જમીન પર ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાનૂની સમિતિએ બુધવારે આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને વકીલોને અપીલનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આશ્રમ દ્વારા કબજે કરાયેલી જમીન સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી, પરંતુ તેના પર ગેરકાયદે બાંધકામો કરવામાં આવ્યા હતા.






