મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સરકારે 18 કરોડના ખર્ચે બનાવેલી સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું બિલ્ડીંગ 10 વર્ષથી ખંડેર, હવે સરકાર કહે છે - “અમારે જરૂર નથી”

PATAN NEWS : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યા

સરકારે 18 કરોડના ખર્ચે બનાવેલી સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું બિલ્ડીંગ 10 વર્ષથી ખંડેર, હવે સરકાર કહે છે - “અમારે જરૂર નથી”

PATAN NEWS : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વર્ષ 2012-13માં 18 કરોડના ખર્ચે સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું બિલ્ડીંગ બનાવ્યું હતું. આ બિલ્ડીંગ બન્યું ત્યારથી અત્યાર સુધી એટલે કે 10 વર્ષથી ખંડેર અવસ્થામાં છે. તસ્કરો આ અવાવરુ બિલ્ડીંગમાંથી બારી-બારણાં સહિતનું ફર્નિચર પણ ચોરી ગયા છે. 

હાઈકોર્ટે સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો

સિદ્ધપુરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ખરાબ સ્થિતિ મુદ્દે રાજ્યના પૂર્વ આરોગ્યપ્રધાન જય નારાયણ વ્યાસે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. ગત 5 જૂને આ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અરજદારના વકીલ મકબુલ મન્સૂરીએ હાઈકોર્ટમાં સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના બિલ્ડીંગની દયનિય સ્થિતિનું વર્ણન કરી કોર્ટ સમક્ષ ફોટો પણ રજૂ કર્યા હતા. હાઈકોર્ટે આ મુદ્દે સરકારને નોટિસ ફટકારી જવાબ રજૂ કરવા આદેશ કર્યો હતો. 

હવે અમારે  આ કેમ્પસની જરૂર નથી - સરકાર

આ મુદ્દે આજે 13 જૂને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરકારે સોગંદનામું રજૂ કર્યું હતું. સોગંદનામાં સરકારે કહ્યું કે   સિદ્ધપુરની આયુર્વેદિક હોસ્પિટલનું કેમ્પસ 30 એપ્રિલ 2024ના રોજ સોસાયટી ફોર ડેન્ટલ હેલ્થ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અમદાવાદને  સોંપ્યું છે.  આ જગ્યા શહેરથી ઘણી દૂર છે. દર્દીઓને અવરજવરમાં આસાની થઈ શકે એમ નથી.  આસપાસના વિસ્તારમાં બીજી હોસ્પિટલ પણ બનીને તૈયાર થઈ છે. હવે અમારે આ કેમ્પસની જરૂર નથી.

18 કરોડના ખર્ચ પાણીમાં? 

સરકારે કહ્યું કે આ જગ્યા શહેરથી ઘણી દૂર છે. દર્દીઓને અવરજવરમાં આસાની થઈ શકે એમ નથી. તો જયારે હોસ્પિટલ માટે જગ્યાની પસંદગી કરવામાં આવી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓને આ વાતની જાણ નહીં હોય? સરકારમાં અધિકારીઓની ઢીલી નીતિ અને બેજવાદારીને કારણે હોસ્પિટલના બિલ્ડીંગમાંથી અનેક સમાન ચોરાઈ ગયો છે. હવે સરકાર કહે છે કે આ બિલ્ડીંગની કોઈ જરૂર નથી, તો જનતાના ટેક્સના કરોડો રૂપિયા સરકારે પાણીની જેમ કેમ વહાવી દીધા? આ સમગ્ર મામલે ઊંડી તપાસ થવી જરૂરી છે.  હાઈકોર્ટમાં  આ મામલે વધુ સુનાવણી આગામી 21 જૂને હાથ ધરવામાં આવશે. 

આ સમાચાર શેર કરો