રાજકોટ અને આણંદમાં GST દરોડા, મોટાપાયે બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા

ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી જીએસટી વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. એક પછી એક રાજ્યના વિવિધ શહેરોમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે 12મી ડિસેમ્બરે રાજકોટમાં બિલ્ડરો પર સેન્ટ્રલ GST વિભાગે તવાઈ બોલાવી છે.
રાજકોટની બિલ્ડર લોબી GSTના સકંજામાં
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં પ્રાઇડ ગ્રૂપ અને વન વર્લ્ડ ગ્રુપ સેન્ટ્રલ GST વિભાગે દરોડા પડ્યા છે. પ્રાઇડ ગ્રુપ સાથે જોડાયેલા બિલ્ડરના ઘરે જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વન વર્લ્ડ ગ્રૂપના 4 અલગ અલગ પ્રોજેક્ટ પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : Year Ender 2024: આ છે ભારતના 10 પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદી
બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા
સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા રાજકોટના પ્રાઈડ ગ્રૂપ, આઇકોનિક વર્લ્ડ, કોર્પોરેટ વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, મધુવન વિલા, મંલગમ પ્રોજેક્ટ પર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં મોટા પ્રમાણમાં કરચોરી પકડાવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે,જે તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.
આણંદમાં 10થી વધુ વેપારીઓને ત્યાં GSTના દરોડા
આણંદ શહેરનાં વલ્લભવિધાનગર વિસ્તારમાં GST અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં વલ્લભવિધાનગરની ટોની સેન્ટર પોઇન્ટ દુકાન સહિત 10થી વધુ વેપારીઓની દુકાનો તેમજ પેઢી પર GSTના અધિકારીઓએ રેડ પાડી હતી. વડોદરા જિલ્લાની GST ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓની 10 થી વધુ ટીમોએ સામૂહિક રીતે દરોડા પાડ્યા હતા. GST ના દરોડાને લઇને વેપારીઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

