Video: સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘટતા ચિંતા વધી

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઓછા વરસાદના કારણે મગફળીના વીઘાદીઠ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે. પિયત વાળી મગફળીનું ઉત્પાદન વીઘે માત્ર 8થી 10 મણ અને બિન-પિયતમાં 5 થી 6 મણ જ રહ્યુ છે. ઓછાં ઉત્પાદનની સીધી અસર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહી છે. ગત વર્ષે આ સમયે જ્યાં દરરોજ 1 લાખ ગુણીની આવક થતી હતી ત્યાં આજે માત્ર 30 હજાર ગુણી મગફળી જ યાર્ડમાં આવી છે. ઓછા ઉત્પાદનને કારણે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ ગત વર્ષ કરતાં રૂ. 400 થી 500 વધીને 1,500થી 1,750 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે. નોંધનીય છે કે સરકારનો ટેકાનો ભાવ 1,503 રૂપિયા છે, જ્યારે ખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવ મળી રહ્યા છે. તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પાક નિષ્ફળ જતાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે અને સમગ્ર સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની અપીલ કરી છે.







