મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો નિર્ણય, આ વિસ્તારો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરાશે

એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ વસવાટ કરતા જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય

એશિયાઈ સિંહોના રક્ષણ માટે સરકારનો નિર્ણય, આ વિસ્તારો ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરાશે

એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં જ વસવાટ કરતા જોવા મળે છે. આ સિંહો તેમજ વન્ય પ્રાણીઓના સંવર્ધન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ટેક્નોલોજીની મદદથી સાત વિવિધ નવા પ્રકલ્પો હાથ ધરાયા છે. રાજ્ય સરકારના વિશેષ પ્રયાસોથી ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

196 ગામોનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં જોવા મળતા એશિયાઈ સિંહ સહિત દેશભરમાં પ્રાણીઓના રક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાયદા અમલી બનાવાયા છે. જે વિશે વધુ માહિતી આપતા વનમંત્રી મુળુભાઈએ જણાવ્યું કે, નવીન ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરિડોર અને સિંહોના અવર-જવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-59 ગામોનો સમાવેશ કરવામાં આવશે. 

આ સિવાય અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાને મળી કુલ-65 ગામોનો સમાવેશ કરવામાં આવશે. આમ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર મળીને કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. 

કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું

સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા 10 વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતા મારણ, સિંહોના અવર-જવરના મહત્ત્વના કોરિડોર તથા રીવર કોરિડોર જેવા વિસ્તારને આવરીને ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો