સુરતમા ડ્રગ્સ માફિયાનો બચાવ કરવા માટે ભાજપના નેતાઓએ પોલીસ ઉપર દબાણ કર્યાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ
સુરતમા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ

સુરતમા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્ર રાજ્યના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયાએ એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા કહ્યુ કે, આપણે જાણીએ છીએ કે ગુજરાતના લોકો દારૂના દૂષણના કારણે ખૂબ જ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. નકલી દારૂ અને બુટલેગરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. ગુજરાતના લોકો બુટલેગરોના ત્રાસમાંથી હજુ આઝાદ થયા ન હતા, ત્યાં તો હવે ભાજપના રાજમાં ભાજપના લોકો દ્વારા ગુજરાતના લોકોને ડ્રગ્સના દુષણમાં હોમવાનું કામ થઈ રહ્યું છે. દારૂની લડાઈ હજુ પૂરી નથી થઈ અને ભાજપના રાજમાં ડ્રગ્સનું પ્રમાણ વધે તો એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે.
રાજકોટમાં નેતાનો દીકરો ઝડપાયો
રાજકોટમાં ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો હતો. આ ગઈકાલે પકડાયો હતો અને બે ચાર દિવસ પહેલા ભાજપના યુવા મોરચાનો હોદ્દેદાર અને ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદાર લોકો ડ્રગ્સ વેચતા પકડાયા છે. આ લોકોના ફોટા ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે પણ જોવા મળ્યા છે. આમ જોતા લાગી રહ્યું છે કે આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનું ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું છે. આજે બધાને ખ્યાલ છે કે દારૂના ધંધામાં ભાજપના કયા કયા નેતાઓ ભાગીદાર છે. અને હવે ડ્રગ્સના ધંધામાં જે રીતે ભાજપના નેતાઓ પકડાઈ રહ્યા છે તે જોઈને લાગી રહ્યું છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે. તેમ છતાં પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાતો કરીને હર્ષ સંઘવી ગુજરાતના લોકોની આંખોમાં ધૂળ નાખે છે. હું હર્ષ સંઘવીને વિનંતી કરવા માગું છું કે તમારો હોદ્દો આજે છે અને કાલે નથી પરંતુ તમે ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો. આટલું બધું ડ્રગ્સનું દુષણ વધ્યું છે તો આમ પકડાનાર લોકોને બચાવવાની કોશિશ ન કરો.
પોલીસ પર દબાણ કરાયુ
ઈટાલીયાએ કહ્યુ કે, પોલીસ પર કોઈ છૂપુ દબાણ ઊભું કરવામાં આવ્યું છે. કોઈ છુપા આદેશો આપવામાં આવ્યા છે. આ આદેશો હર્ષ સંઘવીએ કર્યા કે ભાજપના કોઈ નેતાએ કર્યા તેની કોઈ જાણકારી નથી, પરંતુ પોલીસ પર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈપણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવામાં ન આવે. નિર્લિપ્ત રાય જેઓ એક આઇપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના મહાનિરીક્ષક છે, તેમણે એક પરિપત્ર બહાર પાડ્યો હતો તેમાં લખેલું છે કે કોઈપણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી, થાક ધમકીથી, કે અન્ય કોઈ ગેરકાયદેસર માધ્યમ દ્વારા અપહરણ કરે, લૂંટ કરે, ખંડણી ઉઘરાવે, સોપારી આપે, સાયબર ક્રાઇમના ગુનાઓ કરે, ડ્રગ્સના ગુના કરે કે હથિયારોના ગુના કરે તો એ વ્યક્તિ માફિયા ગેંગનો સભ્ય છે તેમ ગણાશે. આ વસ્તુ કાયદામાં લખેલી છે. આ વિકાસ આહિર પર સરકારી અધિકારીને માર મારવા સહિત અનેક આવા ગુનાઓ લાગુ કરેલા છે અને વધુમાં આ વ્યક્તિને સાયબર ક્રાઇમના એક ગુનામાં કોર્ટ તરફથી સજા પણ ફટકારવામાં આવી છે. તો પછી આ વ્યક્તિ પર માફિયા ગેંગની કલમો કેમ નથી લગાવવામાં આવી. આનો ખુલાસો ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ.








