અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરી કરતી ગેન્ગ ઝડપાઇ, પાંચ દિવસમાં પાંચ રિક્ષાની કરી ચોરી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરીઓ કરતી ગેન્ગ ઝડપાય છે. આ ગેન્ગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ ર

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી રિક્ષા ચોરીઓ કરતી ગેન્ગ ઝડપાય છે. આ ગેન્ગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી કરી હતી. શાહીબાગ પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિક્ષા ચોરતી ગેન્ગ ઝડપાઇ
અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રિક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી જેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસ રિક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલની 1200 બેડ હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ ચાર રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રિક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ CCTV તેમજ અન્ય માહિતીઓના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રિક્ષા ચોર ગેન્ગના બે સભ્યોની ધરપકડ કરી છે. આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીઓ સામે અનેક ગુના નોંધાયેલા છે
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ ઉર્ફે દિલો અગાઉ પણ ચોરીના પાંચ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસે પાંચ રિક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રિક્ષા રિકવર કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રિક્ષાની જૂની ચાવી દ્વારા અલગ અલગ રિક્ષાઓમાં ચાવી ભરાવી ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા અને જે રિક્ષા ચાવીથી ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા. તેમજ સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વહેંચી પૈસા મેળવતા હતા.રિક્ષા ચોરીના પાર્ટ્સ વહેંચી કમાયેલા પૈસા મોજશોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું છે. આ ચોર ગેંગ દ્વારા શહેરમાંથી અન્ય કેટલી રિક્ષાઓ ચોરી કરી છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.








