રાજ્યમાં નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર; એક વર્ષમાં 8.46 લાખ નવા મતદારો ઉમેરાયા, 26 ડિસેમ્બર સુધી નામ સુધારા-વધારા કરી શકાશે

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવી મુસદ્દા (ડ્રાફ્ટ) મતદાર યાદી જાહેર કરાઈ છે. આ યાદી મુજબ રાજ્યમાં કુલ મતદારોનો આંકડો 4.48 કરોડને પાર પહોંચ્યો છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં 8.46 લાખ નવા મતદારોનો ઉમેરો થવાની સાથે કુલ મતદાર સંખ્યામાં 1.92 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ
કુલ 4.48 કરોડ મતદારો
2.30 કરોડ પુરુષ મતદારો
2.17 કરોડ મહિલા મતદારો
થર્ડ જેન્ડર (અન્ય) કેટેગરીમાં 1,071 મતદારો
મતદાર યાદીને વધુ સચોટ અને ભૂલરહિત બનાવવા ચૂંટણી પંચ દ્વારા નાગરિકોને 26 ડિસેમ્બર સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાની તક અપાઈ છે.
મતદાન મથકો પર ત્રણ રવિવાર ખાસ ઝુંબેશ
મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા, સરનામું બદલવા કે અન્ય કોઈ સુધારા-વધારા કરવા માંગતા નાગરિકોની સુવિધા માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ ઝુંબેશનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આગામી 29 નવેમ્બર તેમજ 6 અને 13 ડિસેમ્બરના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી રાજ્યના તમામ મતદાન મથકો પર બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે. ત્યાં નાગરિકો રૂબરૂ જઈને જરૂરી ફોર્મ ભરી શકશે.
યુવા મતદારો માટે એડવાન્સ અરજીની સુવિધા
ચૂંટણી પંચના નિયમ મુજબ 1 જાન્યુઆરી, 2027ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનારા તમામ યુવા મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકશે. આ ઉપરાંત, જે યુવાનો આગામી વર્ષે એટલે કે 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર, 2027ના રોજ 18 વર્ષની વય પૂર્ણ કરવા જઈ રહ્યા છે, તેઓ પણ અત્યારથી જ એડવાન્સમાં અરજી કરી શકશે. જેમ-જેમ તેમની 18 વર્ષની વય પૂર્ણ થશે, તેમ તેમ તેમના નામ આપમેળે મતદાર યાદીમાં સમાવી લેવાશે.
મતદારો માટે ઉપયોગી માહિતી
ફોર્મ-6 (નવું નામ ઉમેરવા): પ્રથમ વખત મતદાર બનતા યુવાનો અથવા જેમના નામ યાદીમાં બાકી રહી ગયા હોય તેમના માટે.
ફોર્મ-6B (આધાર લિંકિંગ): મતદાર ઓળખપત્ર (EPIC) સાથે આધાર નંબર જોડવા માટે (સ્વૈચ્છિક).
ફોર્મ-7 (નામ કમી કરવા): અવસાન પામેલ વ્યક્તિનું નામ કમી કરવા અથવા અન્ય સ્થળે સ્થળાંતર થયું હોય તેવા કિસ્સામાં નામ રદ કરાવવા માટે.
ફોર્મ-8 (સુધારા-વધારા માટે): મતદાર કાર્ડમાં નામ, અટક, જન્મતારીખ, ફોટો કે સરનામું સુધારવા તેમજ એક વિધાનસભામાંથી બીજી વિધાનસભામાં નામ ટ્રાન્સફર કરવા અને ડુપ્લિકેટ કાર્ડ મેળવવા માટે.
ઘરે બેઠા ઓનલાઈન સુવિધા
જે નાગરિકો મતદાન મથક પર જઈ શકે તેમ ન હોય તેઓ ચૂંટણી પંચના સત્તાવાર પોર્ટલ voters.eci.gov.in પર જઈને અથવા મોબાઈલમાં Voter Helpline App ડાઉનલોડ કરીને પણ પોતાનું નામ યાદીમાં ચકાસી શકે છે અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ ઉપરાંત વધુ માહિતી માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર 1950 નો સંપર્ક કરી શકાય છે.










