IBના રિપોર્ટથી ગુજરાત ભાજપમાં હલચલ!, બેઠકો ગુમાવવાનો ડર પેઠો

2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં આદિવાસી મતબેંકને અંકે કરવા માટે મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ આદિવાસી વિસ્તારોમાં આંટાફેરા શરૂ કર્યા છે, ત્યારે વિપક્ષ કોંગ્રેસે તીખા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી મતદારોમાં મોટું ગાબડું પડશે અને 2027માં સત્તાધારી પક્ષને ઘણી બેઠકો ગુમાવવી પડશે. આવા ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના રિપોર્ટ બાદ 'સાહેબ'ને રાતોરાત દિલ્હીથી ગાંધીનગર દોડી આવવું પડ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના મતે, ભાજપને કોઈ આદિવાસીઓ પ્રત્યે પ્રેમ ઉભરાયો નથી, પરંતુ આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠકો ગુમાવવાનો ડર પેઠો છે.
વિરોધ પક્ષનો કટાક્ષ: મંત્રીઓ આદિવાસી વસ્ત્રોમાં નૃત્ય કરવા માંડ્યા અને પાનમાં જમવા માંડ્યા
ઝાલોદ ખાતે કોંગ્રેસ દ્વારા આયોજિત સ્નેહમિલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી ભાજપને આદિવાસીઓની યાદ આવી નથી, પરંતુ હવે અચાનક જ પ્રેમ ઉભરાયો છે. તેમણે દાવો કર્યો કે આદિવાસી મતદારો હવે માત્ર જાગૃત જ નહીં, પરંતુ સંગઠિત પણ થયા છે, જેના કારણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મોટું નુકસાન ભોગવવું પડશે.
વિપક્ષના મુખ્ય મુદ્દાઓ
- IB રિપોર્ટ અને દિલ્હીથી દોડધામ: ઈન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ બાદ 'સાહેબ'ને રાતોરાત દિલ્હીથી ગાંધીનગર આવવું પડ્યું અને ભાજપના ધારાસભ્યોને સ્પષ્ટ સૂચના અપાઈ કે, આદિવાસીઓને મનાવો, નહીં તો બિસ્તરા-પોટલા ભરવા પડશે.
- ફોટો-ઓપ અને જમણવારનો કટાક્ષ: દિલ્હીના આદેશ બાદ મંત્રીઓ આદિવાસી વિધાનસભા વિસ્તારોમાં દોડતા થયા છે, પરંતુ ત્યાં જઈને ઝાડના પાનમાં જમતા ફોટા પડાવી રહ્યા છે. ઝાડના પાનમાં જમવાની વાતો સદીઓ જૂની થઈ ગઈ છે.
- 21મી સદીમાં લેપટોપ-કોમ્પ્યુટરની માગ: 21મી સદીમાં આદિવાસી યુવાનોના હાથમાં લેપટોપ અને કોમ્પ્યુટર આપવા જોઈએ જેથી તેઓ ગુજરાત અને વિશ્વનું નેતૃત્વ કરી શકે, પરંતુ એવું નહીં થાય.
- 'વનવાસી' શબ્દ સામે વાંધો: આદિવાસી સમાજને 'વનવાસી' કહીને ભાજપ હજુ પણ સમાજને અનાદિકાળમાં રાખવા માગે છે









