ગુજરાત સરકારનું પાલિકાઓને કડક અલ્ટીમેટમ; શહેરોમાં ગંદકી જણાશે તો અટકાવાશે સરકારી ગ્રાન્ટ

ગુજરાતના શહેરોમાં કચરાના ઢગલા, GVP(ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ) અને જાહેર સ્થળોની ગંદકી હવે માત્ર સ્વચ્છતા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને મળતી સરકારી ગ્રાન્ટ સાથે સીધી રીતે જોડાઈ ગઈ છે. સ્વચ્છ ભારત મિશન અર્બનની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા સરપ્રાઈઝ સ્પોટ ચેકિંગ દરમિયાન વિવિધ શહેરોમાં ગંદકી અને વ્યવસ્થાની ગંભીર ખામીઓ સામે આવ્યા બાદ નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને કડક અલ્ટીમેટમ પાઠવવામાં આવ્યું છે.
ગંદકી જણાશે તો અટકાવાશે સરકારી ગ્રાન્ટ
નાણા વિભાગ દ્વારા રાજ્યની તમામ પાલિકાઓને પાઠવવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો ફ્લાઈંગ સ્ક્વોડની તપાસમાં સ્વચ્છતા સંબંધિત કોઈ પણ ક્ષતિ કે બેદરકારી જણાશે, તો સરકાર તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટ રોકી દેવામાં આવશે. એટલે કે, હવે જો સ્વચ્છતા કામગીરીમાં કોઈ ‘ગેપ’ રહી જશે તો તેની સીધી ફટકાર પાલિકાઓના વિકાસ કામો માટે મળતા સરકારી ભંડોળ પર પડશે.
પાલિકાઓ માટે કયા નિયમોનું પાલન ફરજિયાત બનાવવામાં આવ્યું?
ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની જવાબદારી નક્કી
આ આદેશમાં સ્વચ્છતાની જવાબદારી માત્ર મ્યુનિસિપલ કમિશનરો કે ચીફ ઓફિસરો પૂરતી મર્યાદિત નથી રખાઈ. ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને ‘લીડ ફેસિલિટેટર’ તરીકે ભૂમિકા ભજવવા અને દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના વિસ્તારની ફિલ્ડ વિઝિટ કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્ટેન્ડિંગ કમિટી, સામાન્ય સભા અને કમિશનર/ચીફ ઓફિસર સાથેની સમીક્ષા બેઠકોમાં સ્વચ્છતાના મુદ્દાને પ્રાથમિકતા પર રાખવા આદેશ કરાયો છે.
ટૂંકમાં, ફ્લાઈંગ સ્ક્વોડના ચોંકાવનારા રિપોર્ટ બાદ હવે રાજ્યની તમામ પાલિકાઓ માટે ગ્રાન્ટ મેળવવા માટે સ્વચ્છતાનું સરકારી ધોરણ જાળવવું અનિવાર્ય બની ગયું છે.

