GPSC એ 26 જુલાઈએ લેવાનારી વર્ગ-1 અને 2 સહિતની 34 પરીક્ષાઓ કરી મોકૂફ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસી રહેલા ભારેથી અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આવતીકાલે રવિવારે (26 જુલાઈ 2026)ના રોજ યોજાનાર 34 જેટલી વિવિધ સંવર્ગ/જગ્યાઓની પ્રાથમિક કસોટીઓ (સામાન્ય અભ્યાસ) હાલ પૂરતી મોકૂફ રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
GPSCની 26 જુલાઈની વર્ગ-1 અને વર્ગ-2 ની પરીક્ષાઓ મોકૂફ!
રાજ્યના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની પરિસ્થિતિને કારણે વાહનવ્યવહાર અને એસ.ટી. બસ-રૂટ પ્રભાવિત થયા છે. આવા સંજોગોમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં ઉમેદવારોને ભારે હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને GPSCની પ્રાથમિક પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે.
નવી તારીખો હવે પછી જાહેર થશે
આયોગના પરિપત્ર મુજબ, મોકૂફ રખાયેલી આ તમામ 34 જાહેરાતોની પ્રાથમિક કસોટીઓની નવી તારીખો હવે પછી આયોગની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

