ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો પ્રથમ ગુજરાત પ્રવાસ: 3 દિવસીય મુલાકાતમાં બેઠકોનો ધમધમાટ, જાણો આખું શિડ્યુલ

Gandhinagar news: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલથી શરૂ થતો તેમનો આ ત્રણ દિવસીય પ્રવાસ સંગઠન અને સરકાર બંને દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.
ભવ્ય સ્વાગત અને પ્રથમ દિવસનું આયોજન
આવતીકાલે એટલે કે, 20મી ફેબ્રુઆરી શુક્રવારે બપોરે નીતિન નબીનનું અમદાવાદ એરપોર્ટ પર ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટથી જ તેઓ સીધા કાર્યક્રમમાં જોડાશે.
બેઠકોનો દોર
ધારાસભ્યો અને સાંસદો સાથે સંવાદ: બપોરે 3:30 કલાકે GSC બેંક ખાતે તેઓ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદો સાથે એક ખાસ બેઠક યોજશે. જેમાં આગામી ચૂંટણીઓની રણનીતિ અને સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા થઈ શકે છે.
ઉદ્યોગ જગત સાથે મુલાકાત
શુક્રવારે સાંજે 5:30 કલાકે ગાંધીનગરના ઈન્ફોસિટી ગાર્ડન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ શહેરના નામાંકિત ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ, CA અને એન્ટરપ્રિનિયર્સ (સાહસિકો) સાથે સંવાદ કરશે અને વિકસિત ભારત તેમજ ગુજરાતના આર્થિક યોગદાન અંગે ચર્ચા કરશે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ-પ્રોફાઈલ બેઠક
પ્રવાસના પ્રથમ દિવસના અંતે સાંજે 7:30 વાગ્યે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાઈ-લેવલ બેઠક યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારી આ બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીઓ પણ હાજર રહેશે. નીતિન નવીન મંત્રીઓ સાથે સરકારની કામગીરી અને યોજનાઓના અમલીકરણ અંગે સમીક્ષા કરે તેવી શક્યતા છે.
આ પ્રવાસ દ્વારા નીતિન નબીન ગુજરાત ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ ફૂંકવા અને સરકાર-સંગઠન વચ્ચેના સંકલનને વધુ મજબૂત કરવા પ્રયાસ કરશે.

