VIDEO: સુરતમાં બુટલેગરો બેફામ: પલસાણાના વાંકાનેડામાં ફિલ્મી દ્રશ્યો, માથાભારે ઈશ્વર વાંસફોડિયાએ હરિફ બુટલેગરની 4 કાર ફૂંકી મારી
VIDEO: સુરત જિલ્લામાં બુટલેગરો હવે પોલીસના ડર વગર બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. પલસાણા તાલુકાના વાંકાનેડા ગામમાં ગત રાત્રે માથાભારે બુટલેગરો વચ્ચેની આંતરિક અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની દુશ્મનીમાં માથાભારે બુટલેગર ઈશ્વર વાંસફોડિયા અને તેના 20થી વધુ સાગરિતોએ હરિફ બુટલેગર પ્રવીણના ઘર પર હુમલો કરી ચાર ફોર-વ્હીલર કારને આગને હવાલે કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ભૂતપૂર્વ મિત્રો હવે કટ્ટર દુશ્મન
મળતી માહિતી મુજબ, ઈશ્વર વાંસફોડિયા અને પ્રવીણ એક સમયે સાથે મળીને દારૂનો કાળો કારોબાર કરતા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે તેર પલટાતા તેઓ એકબીજાના કટ્ટર હરિફ બની ગયા હતા. આ હરિફાઈનું પરિણામ ગત રાત્રે જોવા મળ્યું જ્યારે 20થી વધુ અસામાજિક તત્વોનું ટોળું પ્રવીણના ઘરે ત્રાટક્યું હતું.
આતંક અને આગજની
આ ટોળકીએ પ્રવીણના ઘર પાસે પાર્ક કરેલી ચાર લક્ઝરી કારમાં આગ લગાવી દીધી હતી. જોતજોતામાં ચારેય વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને અંજામ આપી ઈશ્વર અને તેના સાગરીતો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી પર સવાલ
કડોદરા પોલીસની હદમાં બનેલી આ ઘટનાએ સુરત ગ્રામ્ય પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. કડોદરા પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર બુટલેગર ઈશ્વર વાંસફોડિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

