અરવલ્લીની ‘રિન્ની’નો ડીજીપી કપમાં ડંકો, 32 પોલીસ શ્વાનોને હરાવી બની ઓવરઓલ ચેમ્પિયન

અરવલ્લીની ‘રિન્ની’નો ડીજીપી કપમાં ડંકો, 32 પોલીસ શ્વાનોને હરાવી બની ઓવરઓલ ચેમ્પિયન
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

કરાઈ ખાતે ગુજરાત પોલીસ એકેડમી (GPA)માં યોજાયેલી વાર્ષિક પોલીસ ડોગ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાની ટ્રેકર ડોગ ‘રિન્ની’એ શાનદાર પ્રદર્શન કરીને ઓવરઓલ ડીજીપી કપ પોતાના નામે કર્યો છે. 22થી 24 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રિન્ની અને તેના હેન્ડલર રાકેશ કુમારે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ભાગ લેનારા 32 પોલીસ શ્વાનોને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.

ટ્રેકિંગથી લઈને વિસ્ફોટકો શોધવા સુધીની કસોટી

ત્રણ દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં પોલીસ શ્વાનોની વિવિધ ક્ષમતાઓની કસોટી કરવામાં આવી હતી. જેમાં ટ્રેકિંગ એટલે કે ગુનેગારોનાં પગેરાં શોધવા, વિસ્ફોટક પદાર્થો (Explosives) શોધવા અને માદક દ્રવ્યો (Narcotics) પકડી પાડવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા પ્રથમ ત્રણ શ્વાનોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. 22 નવેમ્બરે ગુજરાત પોલીસ એકેડમીનાં ડેપ્યુટી ડિરેક્ટર અર્પિતા પટેલે સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે સમાપન સમારોહમાં BSF ગાંધીનગર ફ્રન્ટિયરના કમાન્ડન્ટ (વેટરનરી) સંદીપ ગઢવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં નિવૃત્ત કર્નલ ચંદન સિંહ રાઠોડ, સંદીપ ગઢવી અને અમદાવાદ NSG હબના મેજર ઓમકાર બેડેકરે નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. ડોગ સ્ક્વોડના પીઆઈ ડી.એસ. પાંડેએ સમગ્ર સ્પર્ધાનું આયોજન સંભાળ્યું હતું.

જાહેરાત

ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ માટે પસંદગીનો હેતુ

ડીજીપી (તાલીમ) નીરજા ગોતરુ દ્વારા ગયા વર્ષે આ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ પોલીસ ડોગ હેન્ડલર્સ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાની ભાવના વિકસાવવાનો અને ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (AIPDM) માટે ગુજરાત પોલીસના શ્રેષ્ઠ શ્વાનોની પસંદગી કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, AIPDM 2025માં ગુજરાત પોલીસના શ્વાનોએ 16 વર્ષ બાદ મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના શ્વાનોએ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ઓવરઓલ ટ્રેકર ડોગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. હવે કરાઈ ખાતે ડીજીપી કપ જીતનારી અરવલ્લીની રિન્નીએ પણ પોતાની ક્ષમતાનો પરિચય આપીને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત