ગણદેવી PI એ.જે. ચૌહાણને બેસ્ટ ઇન્વેસ્ટીગેશન માટે કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા એવોર્ડ એનાયત કરાયો
ભારત સરકારનાં કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2024 એવોર્ડ ગુજર

ભારત સરકારનાં કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2024 એવોર્ડ ગુજરાત રાજયના 06 પોલીસ અધિકારીઓને એનાયત કરાયો છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ અમરસિંહ જે. ચૌહાણને ઉત્કૃષ્ટ ક્ષમતા દાખવનાર અધિકારી અને સારી કામગીરી માટે એનાયત કરાતા પોલીસ બેડામાં આનંદ વ્યાપી ગયો હતો.
ભારત સરકારનાં કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2024નાં બેસ્ટ ઇન્વેસ્ટિગેશન અંગેનાં એવોર્ડની પસંદગી કરાઈ હતી. જેમાં ગુજરાતના કુલ-6 પૈકી હાલ ગણદેવી પોલીસ મથકમાં સેવારત PI અમરસિંહ જે. ચૌહાણની પણ પસંદગી કરાઈ હતી. તેમણે અગાઉ ગુજરાતના ખેડા, આણંદ, ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં સેવા બજાવી છે.
વર્ષ-2010માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 2019માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી. તેમણે ફરજકાળ દરમ્યાન 300થી વધુ ઇનામો તેમજ 12 પ્રશંસાપત્રનું સન્માન પ્રાપ્ત કર્યું છે.
પોતાની ફરજ દરમ્યાન નામદાર કોર્ટ દ્વારા અનેક આરોપીઓને બળાત્કાર, પોકસો, મારામારી, મર્ડર જેવા કુલ-12 ગંભીર ગુનાઓમાં ગુનેગારોને સજા કરાવી પ્રસંશનીય કામગીરી કરી છે. જેમાં અમદાવાદ શહેર કૃષ્ણનગરમાં એક 9 વર્ષના બાળકનાં અપહરણકાંડમાં આરોપીએ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે કેસની ગત 10-07-2023નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં તપાસ અધિકારી તરીકે પીઆઈ એ.જે. ચૌહાણે FSL, CCTV કેમેરા ફૂટેજ, મેડિકલ અને ટેકનીકલ પુરાવો એકત્રિત કરી માત્ર 30 દિવસમાં ચાર્જશીટ રજૂ કરી હતી અને કોર્ટમાં 40 દિવસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની જેલ અને 4.20 લાખ દંડની સજા કરાઈ હતી. આમ ભવિષ્યમાં કુમળી વયના બાળકો સાથે સૃષ્ટિવિરુદ્ધનાં બનતા ગુનાઓ અટકાવવા સમાજમાં દાખલો બેસે તે માટે પીઆઈ એ.જે. ચૌહાણે સુક્ષ્મ મૂલ્યાંકન, ટીમ સ્પિરિટ, પડકારજનક પરિસ્થિતિમાં કર્તવ્ય પ્રત્યેની નિષ્ઠાપૂર્ણ તપાસ કરી આરોપીને 20 વર્ષની સજા કરવી પ્રસંશનીય કામગીરી કરી હતી.
આ કામગીરી માટે PI એ.જે. ચૌહાણને ભારત સરકારનાં કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક-2024નાં બેસ્ટ ઇન્વેસ્ટિગેશન અંગેનો એવોર્ડ એનાયત કરાયો છે.








