Ahmedabad / કેનેડાના વિઝાના બહાને ₹20.49 લાખની ઠગાઈ; આરોપી મોસ્કો ભાગી જતાં સોલા હાઈકોર્ટ પોલીસ મથકે ગુનો દાખલ
Fraud of Rs20.49 lakh on the pretext of an Ahmedabad / Canada visa; accused booked at Sola High Court police station after fleeing to Moscow | કેનેડાના વર્ક

કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદના કાંકરિયાના એક વેપારી પાસેથી 20.49 લાખની માતબર રકમ અને ઓરિજનલ પાસપોર્ટ પડાવીને આરોપી રશિયા ભાગી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ મુલાકાત બાદ મિત્રતા કેળવીને આચરવામાં આવેલા આ કૌભાંડ અંગે ભોગ બનનાર વેપારીએ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સ્વામિનારાયણ મંદિરમાં મુલાકાત બાદ મિત્રતા થઈ હતી
મળતી વિગતો મુજબ, કાંકરિયા વિસ્તારમાં રહેતા અને હાર્ડવેરનો વેપાર કરતા 30 વર્ષીય અમિત માજીરાણા અને દર્શન પીઠવા વચ્ચે વર્ષ 2020માં પરિચય થયો હતો. ત્યારબાદ નવેમ્બર 2022માં ઓગણજ ખાતે યોજાયેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા દરમિયાન બંને ફરી મળ્યા હતા. આ દરમિયાન દર્શને કેનેડાના વર્ક વિઝા કઢાવી આપવાની ખાતરી આપી હતી. પ્રક્રિયા શરૂ કરવાના નામે આરોપીએ ઓરિજનલ પાસપોર્ટ અને રોકડા 14,800 રૂપિયા લીધા હતા. બાદમાં ફરિયાદીની પત્ની અને બે પુત્રીઓના વિઝા પણ કરાવી આપવાની લાલચ આપી તેના પાસપોર્ટ પણ મેળવી લીધા હતા.
તબક્કાવાર 20.49 લાખ ટ્રાન્સફર કરાવ્યા
વિઝા પ્રોસેસિંગના નામે આરોપી દર્શને નવેમ્બર 2022થી ઓગસ્ટ 2025 દરમિયાન અમિત પાસેથી બૅંક એકાઉન્ટ મારફતે 20,34,200 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ રોકડ અને બૅંક ટ્રાન્સફર મળીને કુલ 20,49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતાં અમિતે ઉઘરાણી શરૂ કરી હતી, જેના પગલે આરોપીએ પરિવારના અન્ય સભ્યોના પાસપોર્ટ પરત કર્યા હતા પરંતુ ફરિયાદી અમિતનો ઓરિજનલ પાસપોર્ટ પોતાની પાસે જ રાખ્યો હતો.
આરોપી રશિયાના મોસ્કો ભાગી જતાં પોલીસ ફરિયાદ
નાણાં કે વિઝા આપવા બાબતે વારંવાર બહાના બતાવ્યા બાદ આરોપી દર્શન પીઠવા ડિસેમ્બર 2025માં રશિયાના મોસ્કો ખાતે ભાગી છૂટ્યો હતો. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં અંતે અમિતભાઈ માજીરાણાએ સોલા હાઈકોર્ટ પોલીસ મથકમાં દર્શન પીઠવા સામે વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.






