Ahmedabad / ગોલ્ડી બરાર ગેંગનો શૂટર આરિફ પિસ્તોલ ઝડપાયો, દુબઈથી વેપારીઓ પાસે માગતો હતો ખંડણી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ(SO

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ(SOG) અને દિલ્હી પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને વેજલપુર વિસ્તારમાંથી કુખ્યાત ગોલ્ડી બરાર ગેંગના મહત્ત્વના ઓપરેટિવ આરિફ ઉર્ફે 'પિસ્તોલ'ની અટકાયત કરી છે. આરિફ સામે હત્યાનો પ્રયાસ, ગેરકાયદે ફાયરિંગ અને ખંડણી વસૂલવા સહિત 11થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ગત મોડી રાતે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આ હાઇ-પ્રોફાઇલ શૂટર આખરે પોલીસના સકંજામાં સપડાયો છે.
આરોપી દુબઈથી ખંડણી માગતો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આરિફ આંતરરાષ્ટ્રીય ગુનાઈત સિન્ડિકેટ માટે એક મુખ્ય ઓપરેશનલ કડી તરીકે કાર્યરત હતો. તે ગોલ્ડી બરાર વતી દુબઈથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ધમકીભર્યા કોલ કરવા તથા મોટા પાયે ખંડણીનું રેકેટ ચલાવવામાં સક્રિય ભૂમિકા ભજવતો હતો.
પોલીસ અને સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા માટે આરિફ વારંવાર રહેઠાણના સ્થળો બદલતો હતો અને પોતાની સાચી ઓળખ છુપાવીને આશ્રય લેતો હતો. તેમ છતાં, સ્પેશિયલ ટીમો દ્વારા સતત ટ્રેકિંગ કરીને તેને દબોચી લેવામાં આવ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આરિફની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી તેના સાગરીતો, આશ્રયદાતાઓ અને નાણાકીય લેવડ-દેવડના નેટવર્કનો પર્દાફાશ કરી શકાય.






